કચ્છના પ્રવેશદ્રાર સામખીયારી નજીક આજે સવારે ટ્રક બ્રેકડાઉન થતા માર્ગ બ્લોક થવાથી કચ્છ તરફ આવતા રાધનપુર અને મોરબી ધોરીમાર્ગે બે થી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. બંને તરફના હાઇવે માર્ગો ઉપર વાહનોની કતારો જમા થઈ હતી. અલબત્ત હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ટ્રાફિક માટે ખોટવાયેલા વાહનને માર્ગ પરથી દૂર ખસેડવા સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલ ધીમી ગતિ સાથે વાહનો આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ જંકશન મથક સામખિયાળીના નવા બસ સ્ટેશન સામેના ચાર રસ્તા નજીક સવારે એક ટ્રક બ્રેક ડાઉન થતા માર્ગ અવરોધાયો હતો. ખોટવાયેલી ટ્રક પાછળ અન્ય એક ટ્રક પણ ફસાઈ હતી. અવરોધ કર્તા વાહનોને સામખિયાળી ટોલ ગેટની હાઇવે પેટ્રોલીંગ ટીમ દ્વારા ક્રેનની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન રાધનપુર અને મોરબીથી કચ્છ તરફ આવતા વાહનો અટવાઈ પડ્યા હતા. જેને લઈ બંને તરફના હાઇવે ઉપર બેથી ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. હાલ આંશિક ટ્રાફિક ક્લિયર થયો છે. જોકે, આ દરમિયાન ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.