અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં શનિવારે (17 મે) સાંજે એક મોટો અકસ્માત થયો હતો. હકીકતમાં મેક્સિકન નૌકાદળનું જહાજ ‘Cuauhtémoc’ બ્રુકલિન સ્થાનિક સમયાનુસાર 8:26 વાગ્યે જહાજ જ્યારે બ્રિજ નીચેથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે બ્રિજ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જહાજ પર સવાર ઓછામાં ઓછા 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં, જેમાંથી 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.સોશિયલ મીડિયા પર વાઈરલ એક વીડિયોમાં અકસ્માતની ઠીક પહેલાની ક્ષણ કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, જહાજ બ્રિજની ખૂબ નજીક પહોંચી જાય છે અને બાદમાં તેનો ઉપરનો ભાગ બ્રિજ સાથે અથડાઈ જાય છે. જહાજ અથડાયું ત્યારે જહાજના ઉપરના ભાગ પર સફેદ ડ્રેસમાં અનેક નાવિક હાજર હતાં, જે જહાજ અથડાતાની સાથે જ નીચે પડી ગયા હતાં. અમુક લોકોએ જહાજ સાથે બાંધેલા દોરડા પકડી બચવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળ પર હાજર લોકો પણ ડરીને નાસભાગ કરવા લાગે છે.
