તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં ચારમીનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 7 થી વધુ લોકોના બળી જવાથી મૃત્યુ થયા છે. આ તરફ ડઝનબંધ લોકો ઘાયલ થયા છે. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના રવિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આ તરફ આગની ઘટનાને લઈ અનેક પ્રકારની ચર્ચા વચ્ચે એવી શંકા છે કે, આગ બિલ્ડિંગમાં લગાવેલા એસીમાં શોર્ટ સર્કિટને કારણે લાગી હશે. હાલમાં ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવામાં રોકાયેલી છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે 10 એમ્બ્યુલન્સ પણ બોલાવવામાં આવી છે. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. જોકે આટલા પ્રયત્નો છતાં આગમાં ફસાયેલા 8 લોકોને બચાવી શકાયા નહીં.ફાયર ફાઇટર્સના જણાવ્યા અનુસાર, ચાર પરિવારોના ડઝનબંધ લોકો હજુ પણ આ ઇમારતમાં ફસાયેલા છે. અત્યાર સુધીમાં જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં ત્રણ બાળકો સહિત 14 લોકોનો સમાવેશ થાય છે. તે બધા ખરાબ રીતે બળી ગયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ઇમારતમાં 30 થી વધુ લોકો રહેતા હતા. તેમાંના મોટાભાગના ભાડૂઆત હતા.
