આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું છે અને તે દક્ષિણ અરબી સમુદ્ર,માલદિવ્ઝ, દક્ષિણ બંગાળની ખાડીમાં આગળ વધ્યું હતું. આ સાથે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના સર્જાઈ છે અને ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે.ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં અને અંતમાં વાવાઝોડા સામાન્ય હોય છે. હવામાન વિભાગ અનુસાર તા. 21મેના મધ્ય-પૂર્વ અરબી સમુદ્રમાં કર્ણાટક કાંઠા પાસે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે 22મેની આસપાસ ત્યાં લો પ્રેસર સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ તે ઉત્તર તરફ (ગુજરાત કાંઠા તરફ) આગળ વધીને વધુ શક્તિશાળી થઈ શકે છે. જેથી છ દિવસ બાદ ત્યાં વાવાઝોડુ (ડીપ્રેસન) સર્જાવાની મધ્યમ શક્યતા દર્શાવાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાથી ભારે અને તોફાની વરસાદની શક્યતા વધી જાય છે. હાલ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલના કાંઠા પાસે વાદળોની જમાવટ છે. બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં 17થી 23મે દરમિયાન મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યો સાથે 30થી 50 કિ.મી.ની ઝડપે પવન અને વિજળી સાથે વરસાદની આગાહી કરી છે. અમદાવાદના પ્રાદેશિક કેન્દ્ર દ્વારા તા. 22 અને તા. 23ના ગુજરાતમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ગુજરાતમાં સુકા હવામાનની શક્યતા નથી અને હવે છૂટાછવાયા માવઠાંની આગાહી જારી રખાઈ છે.
