વીજ ફોલ્ટ થવાને કારણે આજે(12 માર્ચ, 2025) 3.45 વાગ્યા આસપાસ સુરત સહિતના દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. વીજ સપ્લાય અટકી જવાને કારણે સુરત શહેરમાં કારખાનાઓમાં કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસ પહોંચીને હોબાળો કર્યો હતો. જો કે ટોરેન્ટના 50 ટકા વિસ્તારોમાં વીજ પૂરવઠો પૂર્વવત થઈ ગયો છે. અચાનક વીજ વિક્ષેપથી સુરતના ઉદ્યોગકારોની માઠી દશા થઈ છે, તેઓ સરકાર પાસેથી યોગ્ય પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે.આ વીજ ફોલ્ટને કારણે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને કારણે 32 લાખ 37 હજારથી વધુ ગ્રાહકોને અસર પહોંચી હતી.5200 મેગાવોટની ડિમાન્ડ સામે સપ્લાય 700 MWનો જ હતો: DGVCL આ અંગે DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરીએ જણાવ્યું કે,400 KVની હાઈ વોલ્ટેજ સોર્સ લાઈન ટ્રિપ થઈ હતી. સ્ટેટ લોડ ડિસ્પેન્સ સેન્ટર(જાંબુઆ)માં રિસ્ટોર કરવા પ્રયાસો આદર્યા હતા. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ સમસ્યા થઈ હતી. ખાસ કરીને તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારી મોટાભાગે ડાઉન ફેઝમાં હતા. બપોરે 03:00 વાગ્યે જ્યારે પાવર કાપની સ્થિતિ સર્જાઈ ત્યારે 5200 મેગાવોટની ડિમાન્ડ સામે સપ્લાય 700 મેગાવોટ સુધી ડાઉન થઈ ગયો હતો.તેઓએ આગળ કહ્યું કે, અત્યારે(6.15 વાગ્યે) તે 2500 મેગાવોટ પર આવી ગયું છે, અને આશરે અડધા કલાકમાં બધી જગ્યાએ સ્થિતિ સામાન્ય થઈ જશે. અમે હાલ અર્બન એરિયાની ડિમાન્ડ સૌથી પહેલા પૂરી કરી રહ્યા છીએ, ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ સપ્લાય કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં 70 ટકા વીજ સપ્લાય શરૂ થઈ ગયો છે, અને અડધા કલાકમાં 100 ટકા સપ્લાય થઈ જશે.ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના 4 યુનિટ ટ્રિપ થતાં વીજ પુરવઠો ખોરવાયો દક્ષિણ ગુજરાત માટે મુખ્ય વીજ પુરવઠા સ્ત્રોત ગણાતા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના 4 યુનિટ ટ્રિપ થતા દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 500 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થવાને કારણે આ સ્થિતિ ઉભી થઈ હતી.

xr:d:DAFnc-4GyKo:2485,j:2237581134514792867,t:24020807