“ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ” તેમજ પ્રત્યેક નાગરિકની પવિત્ર ફરજ એટલે મતદાન. આ લોકશાહીના પર્વની ઉજવણીમાં સૌ યુવાધન ‘ પ્રથમ મતદાન, બાદમાં તમામ કામ’ ના વિચાર સાથે સહપરિવાર જોડાય તેવી અપીલ નખત્રાણા તાલુકાના યુવાઓએ કરી હતી.
પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થતા ભવ્ય કેશરાણીએ જણાવ્યું હતું કે, લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણીમાં એક એક વોટ મૂલ્યવાન હોય છે. મેં જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવી છે. મારી જેમ અન્ય યુવા મતદારો પણ ઉત્સાહભેર આજે સૌ પ્રથમ પહેલું કામ મતદાન કરવાનું કરે એ ખૂબ જ જરૂરી છે.
જયારે બીજીવાર મતદાન કરતા માનસી રામાણીએ જણાવ્યું હતું કે, મને ખુશી છે કે, હું મારા દેશની લોકશાહીને મજબૂત્ કરવા માટે મારૂં યોગદાન આપી રહી છું. મેં મારા સહપરિવાર સાથે આજે મતદાન કર્યું છે. અને તમામ યુવા મતદારોને પણ અપીલ કરું છું કે, તેઓ પણ મતદાન કરે અને પરિવારના સભ્યોને પણ મતદાન કરાવે. આજે બધા કામ જ બાદમાં પ્રથમ મતદાન એ જ આપણી પહેલી ફરજ છે.
જયારે નખત્રાણાના સીરાજ અહેમદે જણાવ્યું હતું કે, મતદાનના અધિકારનો આજના દિવસે દરેક નાગરિકે ઉપયોગ કરવો જોઇએ. દરેકે મતદાન કરવા સાથે પરિવાર તથા આસપાસના નાગરિકોને પણ મતદાન કરવા માટે જાગૃત કરવા જોઇએ. જો આપણે આજે ફરજ નહીં નિભાવીએ તો દેશના સશક્તિકરણમાં યોગદાન આપવાથી વંચિત રહી જઈશું. આમ યુવાઓએ મતદાન કરવા માટે અપીલ કરી હતી.