રાજકોટના આગકાંડમાં હજી એવા પણ પરિવાર છે જે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. આ આગકાંડમાં એક દંપતી અને તેમની બહેન ગુમ છે. તેમના પરિવારજનોને આ લોકો જે વાહન પર આવ્યા હતા તે તો મળી ગયું પરંતુ આ ત્રણ સ્વજનોની કોઇ જ ભાળ મળી નથી. એક યુવાને પોતાની વ્યથા કહેતા જણાવ્યુ હતુ કે, ‘વેરાવળથી ભાણી અને જમાઈ આવ્યા હતા અને અન્ય ભાણી રાજકોટની છે. પાંચેક વાગ્યાની આસપાસ આ ત્રણેવ લોકો એક જ ટુ વ્હિલીર પર અહીં આવ્યા હતા. આ લોકોનો પાંચેક વાગે કોલ હતો. તેમણે છેલ્લે સોશિયલ મીડિયામાં ગેમઝોનનો એક વીડિયો પણ મુક્યો હતો. જે બાદ અમારો તેમની સાથે સંપર્ક થયો નથી. એ લોકો જે વાહન પર અહીં આવ્યા હતા તે વાહન તો અમને મળી ગયુ છે પરંતુ આ ત્રણેવ લોકોની કોઇ ભાળ નથી મળી.’
તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, હોસ્પિટલ તંત્ર દ્વારા ડીએનએના સેમ્પલ લીધા છે. ગઇકાલે અહીં જે પણ ડેડબોડી આવી છે તેમાંથી કોઇપણ અમારી નથી. અમને હજી અમારા લોકો ક્યાં છે તેની કોઇ જાણ નથી.અન્ય એક યુવાને કહ્યુ હતુ કે, તેમનો ભાઈ ગેમઝોન પર નોકરી માટે શનિવારે બપોરે 1 વાગ્યે આવ્યો હતો. આગની ઘટના વિશે મને સાંજે 7 વાગ્યે માહિતી મળી હતી. ગેમઝોનના સ્થળેથી હું સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, ત્યાં DNA ટેસ્ટ સહિતની માહિતી મેળવવામાં આવી છે પરંતુ હજુ સુધી ભાઈનો કોઈ પત્તો લાગ્યો નથી અને તેમનો ફોન બંધ છે.