કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે 20 પ્લેટફોર્મ ધરાવતા આઇકોનિક એસટી બસ પોર્ટનું આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મૂળ બસ મથકના સ્થળે છેલ્લા સાત વર્ષથી નિર્માણ કાર્ય ચાલતા એસટી બસ પોર્ટ શરૂ થવાની સ્થાનિક અને કચ્છના લોકો આતુરતાથી રાહ જોતા હતા. એવા સાત વર્ષથી હંગામી બસ સ્ટેશનમાં કાર્યરત બસ ડેપોની કામગીરી અંતે હવે નવા બસ પોર્ટથી કાર્યવિંત થશે. જ્યાં દૈનિક એક હજાર જેટલી એસટી બસોની ટ્રીપના આવાગમનનું કાર્ય શરૂ થશે. એરપોર્ટ જેવા બસ પોર્ટમાં કચ્છીયત દર્શવતા ચિત્રો સાથે, આધુનિક સુવિધાઓ ધરાવતી લિફ્ટ, એક્સેલેટર અને શોપિંગની સેવાઓ મુસાફરોને ઉપયોગી બની રહેશે.
મુખ્યમંત્રીએ મંચ પરથી જણાવ્યું હતું કે આજના આઇકોનીક બસ પોર્ટના લોકાર્પણ બાદ હવે વિકાસના કાર્યો થતા રહેશે. કચ્છના તમામ વિકાસકાર્યોની ગાથા વર્ણવી હતી. પીએમ મોદીનો સંકલ્પ છે કે ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ કરીએ છીએ. જે પ્રમાણે આજના ભુજના બસ પોર્ટનું આજે લોકાર્પણ થયું છે.લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી, નાણા મંત્રી કનુ દેસાઈ, કચ્છના ધારાસભ્યોમાં રાપરના વિરેન્દ્રસિંહ જાડેજા, અંજારના ત્રિકમ છાંગા, ભુજના કેશુભાઇ પટેલ, માંડવીના અનિરુદ્ધ દવે, ગાંધીધામના માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ , કલેકટર અમિત અરોરા, માહિતી અને પ્રસારણ વિભાગના મોડસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.