ભૂકંપ ઝોન પાંચમાં આવતા કચ્છ જિલ્લામાં ધરા ધ્રુજવાની ઘટના સ્તત યથાવત રહેવા પામી છે. જેમાં વધારો કરતો વધુ ધરતીકંપનો આંચકો ગત રાત્રિના 11.24 મિનિટે ખડીર બેટની રણ કાંધીએ નોંધાયો હોવાનું સિસમોલોજી રીસર્ચ કચેરીએ જાહેર કર્યું હતું. 2.9ની તિવ્રતા ધરાવતા આંચકાની અસર સ્થાનિકે ખાસ વર્તાઈ ના હતી પરંતુ આંચકાની ખબરથી અહીંના પ્રસિદ્ધ ધોળાવીરા વિલેજને માણવા રોકાયેલા પ્રવાસી વર્ગમાં જરૂર ચિંતા ફેલાઈ છે. અલબત ડિસેમ્બર માસ દરમિયાન ધરા ધ્રુજવાની આ ચોથી ઘટના સત્તાવાર રીતે અંકિત થઈ છે.
ડિસેમ્બરના ઠંડા માહોલ વચ્ચે પણ કચ્છની ધરતીમાં સતત સળવળાટ થઈ રહ્યાનું સામે આવતું રહે છે. ગત રાત્રીએ ધોળાવીરા નજીક કેન્દ્રબિંદુ ધરાવતા 2.9ની તિવ્રતાના આંચકા ના 11 દિવસ પહેલા તા. 12ના અંજારના દુધઈ નજીક 3, તા. 8ના ભચાઉના કંથકોટ નજીક 4.2 અને તા.3ના ભચાઉ નજીક 3.4ની તિવ્રતા ધરાવતા આંચકા નોંધાયા હતા.ઉલ્લેખનીય છે કે આ દરમિયાન મુન્દ્રા, માંડવી અને ભચાઉ તાલુકામાં ભેદી ધડાકા પણ લોકોને સંભળાયા હતા.