રાયપુર વિસ્તારમાં આવેલા કંટોડીયાવાસમાં રહેતી મનીષા ચુનારાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જેઠ વિપુલ ચુનારા વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. મનીષા તેના પતિ નિતિન તેમજ ત્રણ દિકરી અને સાસુ સસરા સાથે રહે છે અને તેમના મકાનના પહેલા માળે જેઠ વિપુલ અને જેઠાણી કાજલ રહે છે. ગઇકાલે રાતે મનીષા, નિતિન અને બાળકો સુતા હતા ત્યારે એકદમ વિપુલ અને કાજલ વચ્ચે બબાલ શરુ થઇ ગઇ હતી. પતિ-પત્ની જોરજોરથી બુમો પાડીને ઝઘડતા હતા
વિપુલ અને કાજલ મારમારી કરી રહ્યા હતા ત્યારે મનીષા અને નિતિને તેમને છોડાવવા માટે પ્રત્યનો કર્યો હતો. વિપુલની હાથમાં છરી હતી તેણે નિતિનને પણ માર મારવાનું શરુ કરી દીધુ હતું. વિપુલ છરી લઇને નીચે ઉતરી ગયો હતો. જ્યાં નિતિન, કાજલ, મનીષા નીચે તેને પકડવા માટે ઉતરી રહ્યા હતા. નિતિન સીડીમાં નીચે ઉતરતો હતો ત્યારે વિપુલે તેને છાતીના ભાગે છરી ભોંકી દીધી હતી. ઇજાગ્રસ્ત નિતિન જમીન પર ઢળી પડ્યો હતો, જ્યારે વિપુલ ત્યાંથી નાસી ગયો હતો.
ઇજાગ્રસ્ત નિતિનને 108 એમ્ય્બુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસને થતા તેઓ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને મનીષાની ફરિયાદના આધારે વિપુલ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે નિતિનની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે, જ્યારે વિપુલને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.