એર ઈંડિયાના વિમાનને બિઝનેસ ક્લાસમાં ન્યૂયોર્કથી દિલ્હી મુસાફર કરી રહેલા એક મહિલા પર પુરુષ યાત્રીએ પેશાબ કરી દીધો છે. પીડિત મહિલાએ તાત્કાલિક તેની જાણકારી કેબિન ક્રૂ મેમ્બર્સને આપી હતી. આરોપ છે કે, આ શખ્સ નશામાં ધૂત હતો, જેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વિમાન દિલ્હીમાં લેન્ડ કર્યા બાદ આરોપી અશિષ્ટ પુરુષ યાત્રીને જવા દીધો હતો. પીડિત મહિલાએ યાત્રીને બાદમાં ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરનને આ બાબતે પત્ર લખ્યો અને આખી ઘટના વિશે જણાવ્યું હતું. જે બાદ એર ઈંડિયા તરફથી આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.
ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ ઘટના 26 નવેમ્બર 2022ના રોજ એર ઈંડિયાની ફ્લાઈટ AI-102માં બની હતી. આ વિમાન ન્યૂયોર્કના જોન એફ. કેનેડી એરપોર્ટથી દિલ્હી માટે આવી રહ્યું હતું. વિમાનના બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, લંચ બાદ લાઈટ સ્વિચ ઓફ કરી દેવામાં આવી. તેની થોડી વારમાં નશામાં ધૂત એક શખ્સ મારી સીટ પાસે આવ્યો અને મારા પર પેશાબ કર્યો. પેશાબ કર્યા બાદ આ શખ્સ મારી સીટ પાસે ઊભો રહ્યો. નજીક બેઠેલા એક શખ્સે જ્યારે તેને કહ્યું ત્યારે તે ત્યાંથી ગયો હતો.
પીડિત મહિલાએ આગળ જણાવ્યું છે કે, આ ઘટનામાં તેના કપડા, બેગ અને ચપ્પલ પણ પેશાબથી પલળી ગયા હતા. તેણે ટાટા ગ્રુપના ચેરમેનને જણાવ્યું છે કે, જ્યારે તેણે આ બાબતને લઈને ફરિયાદ કરી તો એક એર હોસ્ટેસ આવી અને ડિસઈનફ્કેટેંટ છાંટીને જતી રહી. કેબિન ક્રૂના સભ્યોએ બાદમાં એક જોડી પાયજામો અને ડિસ્પોજેબલ ચપ્પલ આપ્યા. જેથી તે તેનો ઉપયોગ કરી શકે. મહિલા યાત્રીએ જણાવ્યું છે કે, તે હવે આ સીટ પર બેસવા નહોતી માગતી, તેને બીજી સીટ જોઈતી હતી. જ્યાં તે લગભગ એક કલાક બેઠી, જ્યારે તે ફરીથી પાછી પોતાની સીટ પર આવી તો ત્યાં પેશાબની દુર્ગંધ મારતી હતી.