અમદાવાદ: અમદાવાદ શહેરમાં એક પછી એક વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે અમદાવાદના સરખેજ-મકરબામાં આવેલા શફી લાલાના દરગાહના પાસે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. અહીંયા કુલ 292 ગેરકાયદે મકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યા. આ તમામ મકાનોને જમીન દોસ્ત કરી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ટીપી ખુલ્લી કરવામાં આવી છે.આ મુદ્દે TDO શંકર અસારીએ ફોન પર વાતચીતમાં જણાવ્યું હતું કે, સરખેજ વોર્ડમાં આવેલી ટીપી 84 મકરબા વિસ્તારમાં મ્યુનિસિપલ રિઝર્વેશન પ્લોટ નંબર 92/1,2 માં 18 મીટરનો ટીપી રસ્તો છે. જેમાં ટીપી સ્કીમ અંતર્ગત નોટિસ આપવામાં આવી હતી. જેની અમલવારી આજે કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો આ મુદ્દે હાઇકોર્ટમાં પણ ગયા હતા. હાઇકોર્ટ ત્રણ વખત એમને ઓર્ડર કર્યો છે. એ લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા માટે ગયા હતા. તેમને પુરાવા રજૂ કરવાના હતા પરંતુ તે લોકોએ પુરાવા રજૂ કર્યા નથી. એટલે કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપી શકાય નહીં.ટીપી સ્કીમની મેટર 2016 થી ચાલુ છે અને સ્થાનિક લોકો 2022માં હાઇકોર્ટમાં આ મુદ્દે ગયા. 292 બાંધકામોને તોડવાની કામગીરી ચાલી રહી છે. સવારે દસ વાગ્યાથી ડિમોલેશન કામગીરી ચાલુ થઈ છે. સરખેજ પોલીસ સ્ટેશનનો બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો હતો. લગભગ 150 પોલીસ કર્મચારીઓની હાજરીમાં આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને એસ્ટેટ વિભાગના 60 માણસો હાજર રહ્યા હતા. આવતીકાલ સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે.અંગે સ્થાનિક મહિલા સબીના બાનોએ જણાવ્યું હતું કે, અમે 20 વર્ષથી અહીંયા રહેતા હતા. હપ્તા ભરી ભરીને બિલ્ડરને પૈસા આપ્યા. આખા જીવનની જેમાં પુંજી આ મકાન પાછળ લગાવી દીધી અને આજે સરકાર અમારા મકાનો ઉપર બુલડોઝર ચલાવી દીધું છે. હવે અમે ક્યાં જઈશું? શું ખાશું? અને કેવી રીતે ગુજરાન ચલાવીશું? અમને કોઈ પૂછવા વાળા નહીં આવતા. અમે હાઇકોર્ટમાં પણ ગયા તો પણ અમને કોઈ વ્યવસ્થા આપવામાં આવી નથી.
