રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તેને પગલે ગતરાત્રે અનેક પંથકમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. ચુડામાં રાત્રે માત્ર બે કલાકમાં જ ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
તો બીજી તરફ વલસાડ, બોટાદ અને નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં ગત રાત્રે આભ ફાટ્યું હતું. રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ચુડામાં ભારે વરસાદને પગલે રાત્રે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જેથી પંથકમાં અંધારપટ છવાયો હતો. 2 કલાકમાં સાર્વત્રિક વરસાદથી વાંસલ ડેમ પણ 100 ટકા ભરાઇ જતા ઓવરફ્લો થવાની શક્યતા છે.