રાજકોટના સર્વેશ્વર ચોકમાં યુવા બિલ્ડર પર ખૂની હુમલો કરી નાસી છૂટેલો દેવાયત ખવડ 10 દિવસ સુધી ફરાર રહ્યા બાદ શુક્રવારે બપોરે ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો. તેના બે સાગરીતો હરેશ રબારી અને કિશન કુંભારવાડીયા પણ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. શનિવારે આ ત્રણેય આરોપીઓને એ-ડીવીઝન પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડની અવધી આજે પૂરી થતા આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસે વધુ રિમાન્ડની માગ ન કરતા કોર્ટે ત્રણેયને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો. વોન્ટેડ રહ્યાના સમય દરમિયાન દેવાયત ખવડ અને અન્ય આરોપીઓએ ક્યાં આશરો લીધો હતો તે મુદ્દે પોલીસે તપાસ કર્યા બાદ જણાવ્યું કે, આરોપી દેવાયત ખવડ પોતાની મૂળી પંથકમાં આવેલી વાડીમાં આશરો લીધાનું જણાવી રહ્યો છે. જ્યારે તેના ડ્રાઇવર હરેશ ઉર્ફે કાના રબારીએ પણ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. ગુનામાં વપરાયેલી કાર, હથિયારો અને આરોપીઓના કપડા વગેરે પોલીસ કબ્જે કરી ચૂકી છે.
