શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપર – શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દિ મહોત્સવ અંતર્ગત આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં સુખપર ખાતે વિશ્વશાંતિ નગરયાત્રા યોજાઈ હતી. નગરયાત્રામાં હક્ડેઠઠ માનવ સમુદાય ઉપસ્થિત રહ્યો હતો. વિશ્વશાંતિ નગરયાત્રામાં જબલપુર મધ્યપ્રદેશનું સુપ્રસિદ્ધ શ્યામ બેન્ડ, ભારાસર તથા નારણપર – કચ્છની ઓચ્છવ મંડળી, કાષામ્બરી પરિવેશમાં સંતોનો સમૂહ, હરિભક્તોનો સમૂહ, હંસાકૃતિ રથ ઉપર શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજ તથા બીજા રથમાં જીવનપ્રાણ અબજી બાપાશ્રી તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સાનિધ્યમાં વરિષ્ઠ સદ્ગુરુ સંતો – મહંતો, રથ પાછળ હરિભક્તો અને તેમની પાછળ કળશધારી બહેનોનું મંડળ તથા સાંખ્યયોગી બાઈઓ તથા કર્મયોગી બાઈઓ વિશ્વશાંતિ નગરયાત્રામાં ભકિતભાવપૂર્વક જોડાયા હતા. વિશ્વશાંતિ નગરયાત્રામાં લંડન, બોલ્ટન, નાઈરોબી, અમેરિકા, આફ્રિકા વિગેરે દેશોમાંથી હરિભક્તોનો સમૂહ પણ ઉપસ્થિત રહ્યો હતો.
શ્રી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણના યજમાનોને સાલ, પાઘડી અર્પણ કરી પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે સનમાન્યા હતા.