દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 10 મેના રોજ સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ આજે કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા. આ દરમિયાન તેમણે પૂજા કરી અને હનુમાનજીને પગે લાગ્યા. અહીંથી નીકળ્યા બાદ તેઓ નજીકના શનિ મંદિર અને નવગ્રહ મંદિર પણ પહોંચ્યા હતા. આ પછી કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા. પાર્ટી હેડક્વાર્ટર ખાતે કેજરીવાલના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી.
આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં સમર્થકોને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે 50 દિવસ પછી તમારી વચ્ચે આવીને સારું લાગી રહ્યું છે. અમે આજે હનુમાનજીના આશીર્વાદ લીધા. ત્યારબાદ શિવ મંદિર અને શનિ મંદિર ગયા. બજરંગ બલીની અમારા પક્ષ પર ઘણી કૃપા છે. તેમના કારણે જ હું તમારી વચ્ચે છું. કોઈને આશા ન હતી કે ચૂંટણીની વચ્ચે હું તમારી વચ્ચે આવીશ. તેમણે કહ્યું કે વડાપ્રધાને અમારી આમ આદમી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી. એક વર્ષમાં અમારી પાર્ટીના ચાર ટોચના નેતાઓને જેલ મોકલી દીધા. જે લોકો મોદીજીને મળવા જાય છે. તે અમને પણ બધું કહે છે.
કેજરીવાલે કહ્યું કે મોદીજી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે. વિપક્ષના તમામ નેતાઓને જેલ મોકલશે. તેમણે કહ્યું કે મારી પાસેથી એફિડેવિટ પર લખાવી લો, જો તેઓ આ ચૂંટણી જીતી ગયા, તો થોડા દિવસોમાં મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, સ્ટાલિન જેલમાં હશે. તેમણે ભાજપના એક પણ નેતાને નથી છોડ્યા. તેમણે શિવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે, મનોહર લાલ ખટ્ટરની રાજનીતિ ખતમ કરી દીધી. જો તેઓ આ ચૂંટણી જીતી જશે તો આગામી બે મહિનામાં તેઓ યુપીના મુખ્યમંત્રીને બદલી નાખશે. વન નેશન વન લીડરનો અર્થ છે દેશમાં એક જ નેતા બચશે.