કચ્છના વડા મથક ખાતે આવેલું સમગ્ર જિલ્લાનું માનીતું ઐતિહાસિક હમીરસર તળાવ આજે સતત બીજા વર્ષે ઓવરફલો થતાં કચ્છીવાસીઓમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ છે. ગત વર્ષે 56 ઇંચ જેટલા અતિભારે વરસાદ બાદ ઓવરફલો થયેલા હમીરસર તળાવ આ વર્ષે 25 ઇંચ વરસાદમાં જ ઓવરફલો થયું છે. ઉલ્લેખનિય છે કે, હમીરસર તળાવ જ્યારે ઓવરફલો થાય ત્યારે ભુજ શહેરના વહીવટી તંત્રમાં રજા જાહેર કરવામાં આવે છે.
રાજ્યમાં હાલ વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર ચાલી રહી છે. હજુ આગામી બે દિવસ પણ રાજ્યના અનેક પંથકમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે કચ્છમાં વહેલી સવારથી મેઘતાંડવ શરૂ થઈ ગયું છે. અબડાસામાં 4 કલાકમાં જ ધોધમાર 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેમડ પાટણના સાંતલપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી અત્યારસુધીમાં રાજ્યના 102 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં ગતરાતથી વરસાદ વરસી રહ્યો છે. તેમજ કચ્છ જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે પણ મોટાભાગના જિલ્લામાં વરસાદ ખાબકશે. અબડાસાના મોટીબેરમાં 8 થી 10 મકાનોના નળિયા તેમજ પતરા ઉડ્યા હતા. ગઈકાલે સાંજના ભાગમાં અચાનક મોસમમાં પલ્ટો આવતા મોસમ ભારે તોફાની બન્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો.