અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટમાં મોરબી બ્રિજ અકસ્માત કેસના મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર આજે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી દીધી છે. આથી જયસુખ પટેલને જેલમાં જ રહેવું પડશે.
ગત સુનાવણીમાં જજ દિવ્યેશ જોશીની અરજી પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો, પરંતુ આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી ઉપસ્થિત થયેલા એડિશનલ એડવોકેટ જનરલ મિતેષ અમીને આરોપીના જામીનનો વિરોધ કરવાની જગ્યાએ કોર્ટને વિવેકશક્તિ વાપરીને નિર્ણય કરવાનું કહ્યું હતું અને આરોપીની તરફેણ કરી હતી.
ગયા વર્ષે ઘટેલ મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલની જામીન અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં જજ દિવ્યેશ જોશીની કોર્ટ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી. અરજદાર વતી એડવોકેટ નિરુપમ નાણાવટીએ દલીલો કરતા જણાવ્યું હતું કે, હકિકતથી કોઈ ભાગી શકે તેમ નથી. ચાર્જશીટ અને સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. મોરબી સેશન્સ કોર્ટમાં વર્તમાન અરજદારે આગોતરા જામીન મૂક્યા હતા. જેને પાછા ખેંચવામાં આવ્યા હતા. આરોપીના સાતથી આઠ દિવસના પોલીસ રિમાન્ડ પણ આપવામાં આવ્યા હતા. આને બેદરકારી કહી શકાય. અરજદાર જાતે બ્રિજના રિપેરને નિરીક્ષણ નહોતા કરતાં તે કામ માટે સ્પેશિયલ સ્ટાફ અને મેનેજર નીમવામાં આવ્યા હતા. 6 સહ આરોપીઓને હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. જેમાં બે ટિકિટ વેચનાર, ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને એક મેનેજરનો સમાવેશ થાય છે.
બ્રિજને મેઇન્ટેઈન અને મેનેજ કરવાની જવાબદારી ઓરેવા કંપનીની હતી. 1887માં મોરબી રાજ્ય દ્વારા આ બ્રિજ બન્યો હતો. બ્રિજને આઠ મહિના મેઇન્ટેઈન કરવા બંધ રખાયો હતો. ગત વર્ષે 30 ઓક્ટોબરે બ્રિજ ઉપર ખૂબ ભીડ હતી. 250થી 300 લોકો ઝૂલતા બ્રિજ ઉપર હતાં સાંજે 6.30 કલાકે બ્રિજ તૂટ્યો હતો. બ્રિજને યોગ્ય મેઇન્ટેઈન કરવામાં કાળજી રખાઈ નહોતી. અરજદાર અત્યારે જયુડિશિયલ કસ્ટડીમાં છે. અરજદાર ઘટના બાદ જાતે કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા. અરજદાર ઉપર IPCની 304, 308, 337 અને 114 વગેરે કલમ લાગેલી છે. બ્રિજની જવાબદારી માટે કલેક્ટર સાથે MOU કરાયા હતા. 2008માં નવ વર્ષ માટે બ્રિજની જવાબદારી ઓરેવા કંપનીને અપાઈ હતી. ત્યારબાદ 2022, માર્ચ મહિનામાં નોન જ્યુડિશિયલ સ્ટેમ્પથી 15 વર્ષ માટે બ્રિજના મેનેજમેન્ટની જવાબદારી ઓરેવા ગ્રૂપને અપાઈ હતી.