શહેરની ઓળખાણ કાપડ માર્કેટમાં દરરોજ લાખો લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે જેનાથી કરોડો રૂપિયાનો વેપાર થાય છે. દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરનારા વેપારીઓ ભલે સારી કમાણી કરે છે. પરંતુ આગ લાગવા જેવી ગંભીર ઘટનાઓને લઇને તેમનામાં ગંભીર નથી તેવું જણાઇ રહ્યું છે. કાપડ માર્કેટમાં લગભગ દર અઠવાડિયે આગ લાગવાની એક કે બે ઘટનાઓ બનતી હોય છે અને ફાયરબ્રિગેડ દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાંય હાલ પણ 73 જેટલી માર્કેટો અને લૂમ કારખાના ફાયર NOCની તારીખ વીતી ગઇ હોવા છતાં પણ રિન્યૂ કરાવી નથી. પાલિકા હાલમાં જ આ તમામને નોટિસ આપી છે અને દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. ફાયર વિભાગે રાધે ટેક્સ્ટાઇલ માર્કેટની 411 દુકાનો સીલ કરી છે, જ્યારે ગેલેક્સી ઇસ્કોન 23 દુકાનો સીલ કરવામાં આવી છે. કેટલીક માર્કેટો એવી જગ્યાઓ પર છે કે, જ્યાં આગ લાગે ત્યારે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી શકે તેમ નથી. તેવા સંજોગોમાં જો માર્કેટ ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન પાસે તેમના પોતાના ફાયર સેફ્ટીનાં સાધનો હોય તો શરૂઆતના તબક્કે જ લાગેલી આગ પર કાબૂ મેળવી શકાય છે.
