રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પણ ગુજરાત વિદ્યાપીઠ સંકુલની મુલાકાત લઈને શ્રમદાન કર્યું હતું. શ્રમદાન પછી શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ સંકુલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પેટ છૂટી ગોષ્ઠી કરી હતી. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા તેમના દ્વારા સ્થાપિત આ સંસ્થામાં ગંદકીને કોઈ જ સ્થાન નહીં હોવું જોઈએ. સમગ્ર વિધાપીઠ પરિસરમાં હવે સફાઈ થઈ ગઈ છે સૌએ સાથે મળીને આ સ્વચ્છતાને યથાવત અને બરકરાર રાખવાની છે. તેમણે સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્વચ્છતાને આદત બનાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા અને કહ્યું હતું કે, દરેક વિદ્યાર્થી દરરોજ એક કલાક ઈમાનદારીથી આ પરિસરની સફાઈ કરે. તેમણે કહ્યું હતું કે, મારું સ્વચ્છતા અભિયાન અહીં પૂરું થાય છે. હવે ગુજરાત વિદ્યાપીઠ પરિસરની સ્વચ્છતાની જવાબદારી અહીં રહેતા અને ભણતા છાત્રો અને શિક્ષકોની છે.
જે કામ કરતાં ભય, લજ્જા કે શંકા જાગે તે કામ કરવા યોગ્ય નથી, જે કાર્યમાં ઉત્સાહક અને આનંદ પેદા થાય એ જ કામ કરવા યોગ્ય છે એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, પરિશ્રમી બનો, સત્યના માર્ગે ચાલો, ઈમાનદારીથી મહેનત કરો, ભણો અને આ સંસ્થાના નિયમોનું ચુસ્ત પાલન કરો. આદર્શ નાગરિક બનો. તમારું જીવન જ તમારો સંદેશ બને એવું જીવન જીવો.
ગુજરાત વિદ્યાપીઠ પરિવારના એક વડીલ તરીકે સંબોધન કરતા તેમણે છાત્રો અને શિક્ષકોને કહ્યું હતું કે, અસત્યનો અંચડો ઓઢીને આપણે સત્યની માત્ર વાતો કરીને સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીએ તો તે આપણો પોતાની જાત સાથે અને પૂજ્ય ગાંધીબાપુ સાથે મોટો વિશ્વાસઘાત છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠમાં અત્યારે જે કાંઈ પણ, જે રીતે ચાલી રહ્યું છે તે હવે નહીં ચાલે. અહીં હવે એ જ ચાલશે જે પૂજ્ય ગાંધીબાપુનો સંકલ્પ છે.
તેમણે કહ્યું હતું કે, પ્રકાશ જ એ વાતનું પ્રમાણ છે કે સૂર્ય ઉદય થઈ ચૂક્યો છે. આપણે સારા છીએ કે નહીં, સાચા છીએ કે ખોટા છીએ; એ બાહ્ય આડંબરથી ખબર નહીં પડે. દુનિયાના લોકો જ આયનો છે, એ જ દર્શાવે છે કે આપણે ક્યાં છીએ. બનાવટી જિંદગી લાંબી નથી ચાલતી, અસત્યનો પર્વત ગમે તેટલો ઊંચો હોય સત્ય તેને પળભરમાં ધરાસાયી કરી શકે છે. અંધકાર ગમે તેટલા વિસ્તારમાં ફેલાયેલો હોય, પણ એક નાનકડા દીવાની જ્યોતમાં તેને દૂર કરી શકવાની ક્ષમતા છે. સત્ય એક પ્રકાશ છે, તેને ઢાંકી રાખી શકાતું નથી.સાદગીનો મતલબ ગંદકી નથી, આપણે આ ગંદકીમાંથી બહાર નીકળવાનું છે.
જે વિદ્યાર્થી-જે છાત્રનો રૂમ અસ્તવ્યસ્ત પડ્યો હોય એ વિદ્યાર્થીનું મન પણ અસ્તવ્યસ્ત જ રહેવાનું. એમ કહીને આચાર્યશ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે, હવે સમગ્ર વિધાપીઠ પરિસરમાંથી ગંદકી દૂર થઈ ગઈ છે. રમતગમતનું મેદાન સાફ થઈને તૈયાર થઈ ગયું છે. હવે દરેક વિદ્યાર્થી નિયમિત રૂપે ગ્રાઉન્ડમાં જાય અને રમે. રમતગમતના સાધનો લાવો અને રમો.
ગુજરાત વિદ્યાપીઠના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંકુલમાં અનુસ્નાતક છાત્રાલયની નવી અને જૂની બિલ્ડીંગ, પ્રાણજીવન વિદ્યાર્થી ભવન, મહેમાનગૃહની આસપાસનો વિસ્તાર, એમ. ફીલ. બિલ્ડીંગ, નવી અને જૂની કન્યા છાત્રાલય તથા આદિવાસી સંગ્રહાલય બિલ્ડીંગની આસપાસના વિસ્તારની મોટા પાયે સફાઈ કરવામાં આવી છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ આદરેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાંથી સાત દિવસમાં 30 ટ્રકના 52 ફેરા અને છ ટ્રેક્ટરના 28 ફેરા દ્વારા 594 મેટ્રિક ટન જેટલા કચરા અને ભંગારનો નિકાલ કરવામાં આવ્યો છે. સમગ્ર કામગીરીમાં 170 જેટલા સફાઈકર્મીઓ અને ગાર્ડન વિભાગના કર્મચારીઓની સેવાઓ લેવામાં આવી હતી.
ગુજરાત વિદ્યાપીઠમાં મોટા પાયે હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાં જેસીબી દ્વારા સફાઈ કામ કરવામાં આવ્યું ત્યાં દસ ટેન્કરો દ્વારા 80 હજાર લિટર ટ્રીટેડ પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠનું રમતગમતનું મેદાન જે કચરાથી ભર્યું પડ્યું હતું, તેને સમતળ કરવામાં આવ્યું છે. રમતગમતના મેદાનમાં 20 ટ્રક ભરીને 142 ટન જેટલી માટી નાખી તેને રમવા યોગ્ય કરવામાં આવ્યું છે. 12 ટન કચરાનો ગાર્ડન વિભાગ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. 170 જેટલા સફાઈકર્મીઓની સેવાઓ લેવામાં આવી છે.
ગુજરાત વિદ્યાપીઠ પરિષદના તમામ આંતરિક માર્ગો પર બોબગકેટ સ્વિપિંગ મશીન ફેરવીને રસ્તાઓને ડસ્ટ ફ્રી કરવામાં આવ્યા છે. સ્પૉટ ટુ ડમ્પ ગાડી દ્વારા બિલ્ડીંગ વેસ્ટ અને કાટમાળ ઉપાડવામાં આવ્યો છે. જ્યારે રોજે રોજ ડોર ટુ ડોરની ગાડી દ્વારા વિધાપીઠ પરિસરમાંથી કચરો એકત્ર કરવામાં આવ્યો છે.
સાત દિવસના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાંથી વૃક્ષોનું પણ વ્યવસ્થિત ટ્રીમિંગ કરીને ટ્રકના 26 ફેરા દ્વારા ગ્રીન વેસ્ટ ઉપાડીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે. 15 જેટલા માળી અને શ્રમિકોએ સાથે મળીને 700 ચોરસ મીટર વિસ્તારમાં નિંદામણ અને સાફ-સફાઈ કરી છે. 25 જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે. દિવાલો પર ઊગી નીકળેલા ઘાસ, પીપળા અને અન્ય વેલાઓની હાઇડ્રોલિક વાન દ્વારા સફાઈ કરવામાં આવી છે.