કોંગ્રેસ પાર્ટીના વાયનાડથી સાંસદ તથા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આજે તેમના રાજકીય જીવનનો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરી નાંખી છે. ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે જ 15 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બે વર્ષની જેલની સજાના કારણે જ નિયમ અનુસાર રાહુલ ગાંધીની સદસ્યતા ગઈ છે. વાસ્તવમાં આ સમગ્ર મામલો વર્ષ 2019નો છે. રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના કોલારમાં સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન ‘મોદી અટક’ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?” વાસ્તવમાં, રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘ચોકીદાર જ ચોર છે’નો નારો આપ્યો હતો. કોંગ્રેસે ત્યારે આની આ પંચ લાઈનને ઘણી હવા આપી હતી અને વિવિધ જગ્યાએ રેલીઓમાં કોંગ્રેસ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. કોલારમાં ‘મોદી અટક’ સાથે સંબંધિત નિવેદનમાં તેમનું નિશાન ભારતીય ઉદ્યોગ પતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રથમ કમિશનર લલિત મોદી, પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં ફસાયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પીએમ મોદીની તરફ હતું.
પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ
કેરલના વાયનાડથી લોકસભાના સભ્ય રાહુલ ગાંધીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના નેતા, ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો, અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી ઓક્ટોબર 2021માં સુરત કોર્ટમાં તેમનું નિવેદન નોંધવા હાજર થયા હતા.