હાર્ટ એટેકની સમસ્યા પહેલા વૃદ્ધ લોકોમાં જોવા મળી રહી હતી, પરંતુ કેટલાક સમયથી ભારતમાં યુવાનો પણ આનો ભોગ બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકોને અચાનક હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ તેમના મોત નિપજ્યાના બનાવો બની રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ સંઘપ્રદેશ દમણમાં બન્યો છે. જેમાં એક હોટલ સંચાલકને હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા મોપેડ પર બેઠા બેઠા અચાનક હાર્ટ એટેક આવી જતા તેમનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મળતી માહિતી મુજબ દમણના દેવકા તાઇવાડમાં રહેતા અને હોટલના બિઝનેસ સાથે સંકળાયેલા દિપક ભંડારી નામના 52 વર્ષીય આધેડ ગઈકાલે સવારે 10થી 10:30ના સુમારે તેમની જ હોટેલના કમ્પાઉન્ડમાં મોપેડ પર બેસીને અન્ય વ્યક્તિઓ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક નીચે ઢળી પડ્યા હતા. જે બાદ તેમના સ્ટાફ દ્વારા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે દિપકભાઈને મૃત જાહેર કર્યા હતા.
