ન્યુયોર્ક-નવી દિલ્હી અમેરિકન એરલાઇન્સના એક વિમાનમાં સવાર યાત્રીએ નશાની હાલતમાં સહયાત્રી પર પેશાબ કરી દીધો છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના વિમાન નંબર AA292માં બની હતી. આ વિમાને ન્યુયોર્કથી શુક્રવારે રાતે 9:16 વાગ્યે ઉડાન ભરી હતી અને 14 કલાક 26 મિનિટ બાદ શનિવારે રાતે 10:12 વાગ્યે તે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું.
આરોપી અમેરિકી યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે. આ મામલે તેણે માફી માગતા પીડિત પુરુષે ફરિયાદ કરવાનો ઈનકાર કરી દીધો હતો કેમ કે તેનાથી વિદ્યાર્થીની કારકિર્દી જોખમાઈ શકે તેમ હતી. તેમ છતાં એરલાઇન્સે આ મામલે ગંભીરતા દાખવી અને આઈજીઆઈ એરપોર્ટ પર એર ટ્રાફિક કન્ટ્રોલને આ મામલે જાણ કરી હતી.
ક્રૂ મેમ્બર્સને બોર્ડ પર ઘટના વિશે જાણ થતા તેમણે પાઈલટને જાણ કરી અને તેણે આ મામલે એટીસીને વધુ માહિતી આપી. તેના પછી સીઆઈએસએફના કર્મચારીઓને જાણ કરાઈ જેમણે આરોપી યાત્રીને પકડી દિલ્હી પોલીસને સોંપી દીધો હતો. નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર જો કોઈ યાત્રી અનિયંત્રિત વર્તન માટે દોષિત ઠેરવાય તો ગુનાઈત કાયદા હેઠળ કાર્યવાહી ઉપરાંત તેના પર ગુનાના સ્તરના આધારે એક વિશેષ મુદ્દત માટે ફ્લાઇટમાં અવર-જવરનો પ્રતિબંધ મૂકી દેવાય છે.