દેશમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. ભારતમાં ડિસેમ્બર મહિનામાં બેરોજગારીનો દર ફરી એકવાર વધીને 8.3 ટકા થયો છે. જે છેલ્લા 16 મહિનામાં સૌથી વધુ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા મહિનામાં એટલે કે નવેમ્બર 2022માં આ આંકડો 8 ટકા હતો. ડેટા અનુસાર, શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ડિસેમ્બરમાં વધીને 10.09 ટકા થયો છે, જે અગાઉના મહિનામાં 8.96 ટકા હતો. તે જ સમયે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 7.55 ટકાથી ઘટીને 7.44 ટકા થયો છે.
CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, “આંકડાઓમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે ડિસેમ્બરમાં રોજગાર દર વધીને 37.1 ટકા થયો છે, જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ છે.”
2024ની ચૂંટણી પહેલા પીએમ મોદી સામે સૌથી મોટો પડકાર ઉંચી મોંઘવારી રોકવા અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરવાનો રહેશે. કોંગ્રેસ મોંઘવારી, બેરોજગારી અને “વિભાજનકારી રાજનીતિ” જેવા મુદ્દાઓ પર ‘ભારત જોડો’ યાત્રા કાઢી રહી છે. આ મુદ્દાઓ પર જનતાને એક કરવાના ઉદ્દેશ્ય સાથે, આ યાત્રા સપ્ટેમ્બર મહિનામાં કન્યાકુમારીથી શરૂ કરવામાં આવી હતી, જે જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચશે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા નવેમ્બરમાં બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેરોજગારીનો દર અગાઉના ક્વાર્ટરમાં 7.6 ટકાની સરખામણીએ ઘટીને 7.2 ટકા પર આવી ગયો છે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં હરિયાણામાં બેરોજગારીનો દર વધીને 37.4 ટકા થયો હતો, ત્યારબાદ રાજસ્થાનમાં 28.5 ટકા અને દિલ્હીમાં 20.8 ટકા હતો.