જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર સાથે મળીને સુશાસન લાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પહેલ કરી છે. આ પહેલથી જિલ્લા વહીવટીતંત્ર પર ઉચ્ચ સ્તરીય દેખરેખ રાખવામાં આવશે અને વહીવટી કાર્યપ્રણાલીને સુવ્યવસ્થિત રીતે સુનિશ્ચિત કરાશે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને ગાંધીનગરની જવાબદારી સોંપવામાં આવી છે. તો નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુ દેસાઈને સુરત અને નવસારી જિલ્લાનો હવાલો મળ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રી રૂષિકેશ પટેલને અમદાવાદ, ખેડા અને આણંદ જીલ્લાનો ચાર્જ અપાયો છે તેમજ કૃષિ મંત્રી રાઘવજી પટેલને રાજકોટ અને જૂનાગઢનો હવાલો સોંપવામાં આવ્યો છે. ઉદ્યોગ MSME મંત્રી બળવંત સિંહ રાજપૂતને સાબરકાંઠા અને બનાસકાંઠાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ સિવાયના અન્ય મંત્રીઓ કે જેને જિલ્લાઓની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે તેમાં કુંવરજી બાવળિયાને પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લો, મૂળુભાઈ બેરાને જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લો, કુબેર ડીંડોરને દાહોદ અને પંચમહાલ જિલ્લો, ભાનુબેન બાબરિયાને ભાવનગર અને બોટાદ જિલ્લો, જગદીશ વિશ્વકર્માને મહેસાણા અને પાટણ જિલ્લાનો હવાલો સોંપવામાં આવ્યો છે. મંત્રી પુરુષોત્તમ સોલંકીને અમરેલી અને ગીર સોમનાથ જિલ્લો, બચુભાઈ ખાબડને મહિસાગર અને અરવલ્લી જિલ્લો, મુકેશ પટેલ વલસાડ અને તાપી જિલ્લો, પ્રફુલ્લ પાનસેરિયાને મોરબી અને કચ્છ જિલ્લો, ભીખુસિંહ પરમારને છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લો અને કુંવરજી હળપતિને ભરૂચ અને ડાંગ જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.