દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું પરંપરાગત ‘ઘેર નૃત્ય’

by mahi
0 comments

નવરાત્રિમાં ભૂલાઈ જતું પરંપરાગત નૃત્ય, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના પૂર્વ વિસ્તારમાં આદિવાસીઓનું પરંપરાગત ‘ઘેર નૃત્ય’ એટલે ઘેરૈયા નૃત્ય. ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારને ઉજવવાની એક આગવી પરંપરા હોઈ છે. દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું પરંપરાગત ‘ઘેર નૃત્ય’ એટલે ઘેરૈયા નૃત્ય જે ધીરે ધીરે લુપ્ત થઇ રહ્યું છે.આદિવાસી સમાજમાં પણ મર્યાદિત થઇ ગયું છે, જોકે, ઘેરૈયાની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને પ્રયાસ કરી રહયા છે. આ નૃત્યમાં માત્ર પુરુષો જ હોય છે. જેઓ માતાજીનો પહેરવેશ ધારણ કરીને રાસ ગરબા રમે છે. આ લોકો આકર્ષણનું કેન્દ્ર બને છે.આસો માસની નવરાત્રીમાં ગુજરાતીઓ રાજ્યભરમાં પૂજા અર્ચના સાથે ગરબાની રમઝટ માણી ઉજવણી કરી રહ્યાં છે. જેમાં આધશક્તિની ઉપાસના અને આરાધના કરે છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વિસરાતું જતુ લોકનૃત્ય ધેરૈયા નૃત્યની પણ માતાજીના ગરબાની સાથે આરંભ કરવામાં આવે છે. આ આદિવાસીઓનું પાંરપારિક સમુહ નૃત્ય છે. જેમાં પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી માતાજીનો ગરબો ઘૂમે છે, અને નવ દિવસ સુધી ગામેગામ ફરીને માતાની આરાધના કરે છે. તેઓ સમાજની સુખશાંતિ માટે માતાની કૃપા મેળવે છે.ધેરૈયાઓ અલગ અલગ મંડળીઓ બનાવી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં દૂર દૂર સુધી ધેર લઇને જાય છે. તેઓ નવરાત્રી દરમિયાન ઘેરૈયા નુત્યની રમઝટ બોલાવતા હોય છે. સામાન્ય રીતે એવી લોકવાયકા પ્રચલિત છે કે ઘેરૈયા મંડળીઓ જે ઘેરે જાય છે તેના પરિવારનું કલ્યાણ થાય અને દરેક પ્રકારની મનોકમના માતાજી પૂર્ણ કરે છે. ઘરમાં પ્રવેશ કરતી માંદગી પણ દૂર થઈ જાય છે.ઘેરૈયાઓનું નૃત્ય માત્ર શક્તિની આરાધના નહિ પણ વિવિધ પ્રકારની માન્યતાઓ સાથે પણ જોડાયેલું છે. જેમકે મૃતાત્માઓની આ ઘેરિતા મંડળી દ્વારા તાલ મેળવીને યાદ કરવી, ઘરમાં કોઈ નાનુ બાળક હોય એને ઘોડીએ ચડાવીને એના શેષ જીવનને આનંદમય બનાવવાની માન્યતા પણ જોડાયેલી છે.ધેરૈયાની ટુકડીના મુખ્ય માણસ નાયક્ને ‘કવિયો’ કહેવામાં આવે છે. કવિયો ગીત ગાય છે, અને બીજા ધેરૈયાઓ તે ઝીલે છે. ધેરૈયાનો પંરપરાગત પોશાક સાડી, ડબલ ફાળનુ ધોતિયુ, ચોળી, ઝાંઝર, કેડે ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડાં તથા માંથે ફેટો, એક હાથમાં દાંડીયો, બીજા હાથમાં મોરપિંછ, પગમાં મોજા અને જોડા વગેરેનો શણગાર કરી શિવ-શક્તિ સ્વરુપ ધારણ કરે છે. ત્યારે હાલ સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી આ પરંપરાગત ગરબો હાલ લુપ્ત થતો જાય છે. જેને ટકાવી રાખવા આજે પણ ઘેરૈયા ઓ મથામણ કરી રહ્યા છે.

You may also like

Leave a Comment