મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈ અનેક દેશમાં હવે પેટ્રોલ-ડીઝલનું સંક્ટ વધારી રહી છે. આ જથ્થો ક્યારે નિયમિત થશે એ અંગે કહેવું મુશ્કેલ છે. ભારતમાં હોર્મુઝમાંથી ગેસ અને ક્રૂડ ઓઈલના જહાજ આવ્યા બાદ દેશના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આગામી દિવસો માટે સાચવી રાખેલા બફર સ્ટોક અંગે વિગત આપી છે. મંત્રાલયનું એવું કહેવું છે કે, દેશવાસીઓએ કોઈ ખોટી ચિંતા કરવાની જરૂર નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક છે અને તે સુરક્ષિત છે. હાલમાં કટોકટીની કોઈ સ્થિતિ નથી અને બધુ કંટ્રોલમાં છે. દેશના મહાનગરમાં આવેલા દરેક મોટા પેટ્રોલપંપ પર પૂરતું ફ્યુઅલ છે. કોઈ જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ કે LPG ગેસની કોઈ પ્રકારની અછત નથી. ભારત પાસે આગામી 60 દિવસ સુધી ચાલે એટલો સ્ટોક છે. આ સ્ટોક ક્રૂડ ઓઈલના ફોર્મમાં છે. નાગરિકોને અપીલ છે કે,અફવાઓથી દૂર રહે અને ઉતાવળ કરીને કોઈ ખોટી દોડધામ ન કરે. દેશભરમાં આશરે 1 લાખથી વધારે પેટ્રોલપંપ કોઈ જ પ્રકારની મુશ્કેલીઓ વગર ચાલું જ છે. કેટલીક જગ્યાઓ પર વાહનોની લાંબી લાઈન જોવા મળી છે પણ આ સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાની અસર હતી.તેલ કંપનીઓના ભારતમાં આવેલા ટર્મિનલ અને ડેપો સતત કાર્યરત છે. દિવસ અને રાત ત્યાં કામ ચાલી રહ્યું છે. પેટ્રોલ પંપને આપવામાં આવતી એક દિવસીય ક્રેડિટને વધારીને ત્રણ દિવસ કરી દેવામાં આવી છે, જેથી કરીને વિતરણ વ્યવસ્થામાં કોઈ બ્રેક ન લાગે. હોર્મુઝમાં તણાવગ્રસ્ત સ્થિતિ હોવા છતાં ભારતમાં 41 અન્ય દેશમાંથી ક્રૂડ ઓઈલ આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાસ કરીને મિડલમાં ચાલી રહેલી લડાઈને ઘ્યાને લેતા સપ્લાયમાં પડેલા વિક્ષેપને નિવારવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. દેશમાં ક્રૂડ રિફાઈનરી 100 ટકાથી વધારે ક્ષમતાથી કામ કરી રહી છે. આવનારા 60 દિવસ સુધી ફ્યુલ પૂરતું છે અને દરેકને મળી રહે એટલો દેશમાં સ્ટોક છે. આ પ્રકારના રિઝર્વ સ્ટોકને બફર સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાઈ હતી કે, આગામી 6 દિવસ સુધી ચાલે એટલું જ ફ્યુલ દેશમાં છે. આ વાતનું ખંડન કરતા મંત્રાલયે એક ટ્વિટ કરીને સમગ્ર વિગત અંગે ચોખવટ કરી છે. આ સાથે મંત્રાલયે વિગતવાર રિપોર્ટ પણ જાહેર કર્યો છે. ભારત પાસે આગામી 74 દિવસ સુધી સતત સ્ટોર કરી શકાય એવી ક્ષમતા છે. વર્તમાન સમયને ધ્યાને લેતા આગામી 60 દિવસ સુધી ચાલે એટલો ફ્યુલનો સ્ટોક છે. આગામી બે મહિના સુધી ફ્યુલને લઈને કોઈ પ્રકારની કટોકટી ઊભી નહીં થાય.દેશમાં LPG ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરકારના રિપોર્ટ અનુસાર કુલ ઉત્પાદન અને બાકીના દિવસો કરતા ઉત્પાદનમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કુલ જરૂરિયાત કરતા 80 ટકા સ્ટોક આ ઉત્પાદનમાંથી મળી રહે છે. પરિણામે આયાત ઘટી છે અને આયાત પાછળ થતો ખર્ચ પણ બચી ગયો છે. અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા જેવા દેશમાંથી 800 ટીએમટી ગેસની ખેપ અંગે અગાઉથી નક્કી થઈ ચૂક્યું છે. દેશમાં 22 ઈમ્પોર્ટ ટર્મિનલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. તેલ કંપનીઓ દૈનિક ધોરણે 50 લાખથી વધારે સિલિન્ડરનું વિતરણ કરી રહી છે. મહાનગરમાં અનેક એવા પરિવારો હવે PNG ગેસ પર સ્વિચ થઈ રહ્યા છે. આ ગેસને લઈને ભારતની ઉત્પાદન ક્ષમતા 92 MMSCMD છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના અનેક મહાનગરમાં આ ગેસની ક્નેક્ટિવિટીમાં નોંધપાત્ર વિસ્તાર થયો છે. મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે કે, આ ગેસને વેગ આપવો અને એનું નેટવર્ક વધારવું એ કોઈ સંકટનો સંકેત નથી. લોકોની પ્રાપ્યતામાં વધારો થાય એ હેતુથી આવું કરવામાં આવી રહ્યું છે.
63

