આસામ-ભૂતાન બોર્ડર પર વન વિભાગ અને સ્થાનિકો વચ્ચે હિંસા

by minaj
0 comments

આસામ-ભૂતાન બોર્ડર પાસે આવેલા ચિરાંગ જિલ્લામાં દબાણ દૂર કરવા ઝુંબેશ ઊઠાવવામાં આવી છે, આ દરમિયાન બબાલ થતા મામલો હિંસામાં પલટાયો હતો. સતત બીજા દિવસે તીવ્ર પ્રદર્શન થતાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં કેટલાક પોલીસકર્મીઓને ગંભીર ઈજા પહોંચી છે. હાલાત પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનામાં અનેક સ્થાનિકોને ગંભીર ઈજા પહોંચી હોવાના રિપોર્ટ છે.આ સમગ્ર વિવાદની શરૂઆત આસામના ચિરાંગ જિલ્લાના રૂનીખાતા વનવિસ્તારમાંથી થઈ હતી, જ્યાં વન વિસ્તારના કાર્યાલયમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા અનામત કરેલી જમીન પર દબાણ ઊભું કરાતા વન વિભાગની ટીમે કેટલાક લોકોની ધરપકડ કરી હતી, આ લોકોને છોડી મૂકવાની માગ પર મોટી સંખ્યામાં સ્થાનિકોએ હંગામો કરતા મામલો ગરમાયો હતો. સ્થાનિકોએ ઘેરાવો કરતા બબાલ વધી ગઈ હતી. આ ટોળામાં આસપાસના ગામની મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ગણતરીની સેકન્ડમાં વિરોધ પ્રદર્શન બેકાબુ બની ગયો, ભીડને વિખેરવા માટે વનકર્મીઓએ લાઠીચાર્જ કર્યો, જેમાં એક યુવતીને ગંભીર ઈજા થઈ હતી.આ ખબર જંગલમાં લાગેલી આગની જેમ આસપાસના વિસ્તારમાં ફેલાઈ જતા સ્થાનિકો ઉમટી પડ્યા હતા. વિરોધ કરનારા લોકોનું એવું કહેવું છે કે,અમે શાંતિથી જે લોકોને પકડી લીધા છે એમને છોડી દેવા માટે માગ કરી રહ્યા હતા. પણ તંત્રના કર્મચારીઓએ અમારા પર બળપ્રયોગ કર્યો હતો.સ્થળ પર તણાવગ્રસ્ત માહોલ ઊભો થતા વધારાના સુરક્ષાકર્મીઓને બોલાવાયા, યુવતીને ઈજા પહોંચી છે એવા વાવડ વાયુવેગે ફેલાતા મામલો વધારે ગરમાયો હતો. લોકો મારપીટ પર ઊતરી આવ્યા હતા. ગુરૂવારે જે વનવિસ્તારમાં ઘટના બની ત્યાં સ્થાનિકો એકઠ થયા હતા.ગ્રામવાસીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, આ કારણે ઘર્ષણ વધી ગયું હતું. ભીડમાંથી પણ સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. પરિસ્થિતિ કાબુની બહાર જઈ રહી છે એવું જોતા જ સુરક્ષાકર્મીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં ઘણા સ્થાનિકોને ઈજા થઈ હોવાના પણ રિપોર્ટ મળ્યા છે. આ ઘટનાને કારણે આસામ-ભૂતાન બોર્ડરના સમગ્ર વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ છે. અધિકારીઓનું એવું કહેવું છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે બળ પ્રયોગ અનિવાર્ય હતો. હાલાત સંવેદનશીલ છે.સુરક્ષાદળોની વધારાની ટુકડીને પોઈન્ટ સોંપી દેવાયા છે.લોકો શાંતિ રાખે એવી અપીલ કરવામાં આવી રહી છે.

You may also like

Leave a Comment