ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જતી ફ્લાઈટમાં આજે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા દિલ્હી પરત બોલાવાની ફરજ પડી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI 111) દિલ્હીથી લંડના માટે રવાના થઈ હતી. આશરે સાત કલાક સુધી હવામાં રહ્યા બાદ અને હજારો કિલોમીટરનું અંતર કાપ્યા પછી વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો, જોકે એરલાઇન્સે સલામતીને પ્રાથમિકતા આપી આ નિર્ણય લીધો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર એરબસ A350 એરક્રાફ્ટ જ્યારે સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રમાં હતું ત્યારે અચાનક તેમાં કોઈ ગરબડ જણાઈ હતી. વિમાન દિલ્હીથી સવારે 6.13 વાગ્યે રવાના થયું હતું અને આશરે 3,300 કિમીની મુસાફરી પૂરી કર્યા પછી પાઇલટે તેને પરત વાળવાનો નિર્ણય લીધો હતો. બપોરે 1.20 વાગ્યે વિમાન દિલ્હી પરત ફર્યું હતું. આ એ જ એરસ્પેસ છે જે તાજેતરમાં ઈરાન યુદ્ધના કારણે સતત ચર્ચામાં રહ્યું છે.જ્યારે વિમાન સૌદી અરબ ઉપરથી ઉડી રહ્યું હતું, ત્યારે તેની અંદરથી કેટલાક વિચિત્ર અને શંકાસ્પદ અવાજો આવવા લાગ્યા હતા. આ અવાજોને કારણે ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો સતર્ક થઈ ગયા હતા. જોખમ ન લેતા, એરલાઇનના એર ટ્રાફિક કંટ્રોલ સાથે વાત કરીને વિમાનને તાત્કાલિક દિલ્હી વાળવામાં આવ્યું હતું. હાલમાં આ એરક્રાફ્ટની સુરક્ષાના કડક ધોરણો મુજબ ટેકનિકલ તપાસ ચાલી રહી છે.એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામી આવવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. આ જ મહિનામાં 15 માર્ચના રોજ ન્યૂયોર્કથી દિલ્હી આવતી ફ્લાઇટમાં પણ આવી જ સમસ્યા સર્જાઈ હતી, જેને આયર્લેન્ડના શૈનન શહેરમાં ડાયવર્ટ કરવી પડી હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે એરલાઇનની મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિન્હો ઊભા થયા છે.આ અસુવિધા બાદ એર ઇન્ડિયાના પ્રવક્તાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ મુસાફરોને પડતી મુશ્કેલી બદલ દિલગીર છે. મુસાફરોને લંડન મોકલવા માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરલાઇન્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના માટે મુસાફરોની સુરક્ષા પ્રાથમિકતા છે અને કોઈ પણ સંકેતને તેઓ ગંભીરતાથી લે છે.
109

