એરપોર્ટની સલામતીને જોખમમાં મૂકતા ગેરકાયદે ઊંચાઈ ધરાવતી ઈમારતો મામલે ૩ વર્ષ સુધી કોઈ કાર્યવાહી ન કરવા બદલ સુરતના તત્કાલિન અને હાલના કલેક્ટરોની મુશ્કેલીમાં વધારો થયો છે. સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાની ફરિયાદને પગલે ગુજરાત માનવ અધિકાર પંચે કલેક્ટરને નોટિસ ફટકારી છે અને 15 ઓક્ટોબર, 2025ના રોજ સુનાવણીમાં હાજર થવા સમન્સ પાઠવ્યું છે.સંજય ઇઝાવાએ RTI હેઠળ મેળવેલી માહિતીના આધારે તત્કાલિન કલેક્ટર આયુષ ઓક અને હાલના કલેક્ટર સૌરભ પારધી સામે માનવ અધિકાર પંચ સમક્ષ ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે કલેક્ટરે બિલ્ડરોને નુકસાન ન પહોંચે તેવા હેતુથી એરપોર્ટની સુરક્ષા અને 70 લાખ નાગરિકોના જીવન સાથે જાણી જોઈને ચેડાં કર્યા છે.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા વર્ષ 2018માં કરાયેલા સર્વેક્ષણમાં 41 જેટલા પ્રોજેક્ટોમાં NOCનું ઉલ્લંઘન જણાયું હતું. જે પૈકી DGCAએ ઓગસ્ટ 2021માં બાકી રહેલા 27 પ્રોજેક્ટોની ઊંચાઈ 60 દિવસમાં ઘટાડવા આખરી હુકમ કર્યો હતો.જે ૬ પ્રોજેક્ટોએ DGCAના હુકમ સામે અપીલ નહોતી કરી, તેમની અવરોધરૂપ ઊંચાઈ તોડી પાડવા માટે AAI દ્વારા ૨૭ જુલાઈ, ૨૦૨૨ના રોજ સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને કાર્યવાહી કરવા જાણ કરાઈ હતી. સુરત એરપોર્ટ ડિરેક્ટરે પણ ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને પત્ર લખીને યાદગીરી આપી હતી. જોકે, આ સ્પષ્ટ સૂચનાઓ હોવા છતાં, કલેક્ટર દ્વારા ત્રણ વર્ષ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નહોતી.કલેક્ટર કચેરીની આ નિષ્ક્રિયતા ત્યારે સામે આવી જ્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ કલેક્ટર 03 જુલાઈ, 2025ના રોજ એરપોર્ટ ડિરેક્ટરને પત્ર લખે છે. આ પત્રમાં કલેક્ટરે બિલ્ડિંગો તોડવાની જવાબદારી એરપોર્ટ ઓથોરિટીના માથે નાખી દીધી હતી અને તેમને સુરત મહાનગરપાલિકાના સંકલનમાં રહીને ડિમોલિશન પૂર્ણ કરવા સૂચના આપી હતી.સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવાએ આ સમગ્ર પત્ર વ્યવહારને કલેક્ટરની બેદરકારી ગણાવીને માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી છે. માનવ અધિકાર પંચે આ ગંભીર મુદ્દાને ધ્યાને લઈને કલેક્ટરને આગામી સુનાવણીમાં હાજર થવા સમન્સ મોકલી આપ્યું છે.
218

