ગીર સોમનાથના સૈયદ રાજપરા ગામે ખુલ્લા કૂવામાં ખાબકેલા દીપડાના બચ્ચાનું વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ

by mahi
0 comments

ઉનાના સૈયદ રાજપરા ગામે એક ખેતરમાં આવેલા ખુલ્લા કૂવામાં શિકારની શોધમાં આવેલું દીપડાનું બચ્ચું ખાબક્યું હતું, જેને વન વિભાગે સફળતાપૂર્વક બચાવ્યું હતું.ઉના અને ગીર ગઢડા પંથકમાં દીપડાની આવનજાવનમાં વધારો થયો છે. થોડા મહિના પહેલાં ઉનાના દરિયા કિનારે આવેલા નવાબંદર ગામે રાત્રે શિકારની શોધમાં આવેલો સિંહ જોવા મળ્યો હતો. ત્યારબાદ હવે સૈયદ રાજપરા ગામે બાબુભાઈ રાઠોડના ખેતરમાં આવેલા ખુલ્લા કૂવામાં 5 થી 7 મહિનાની ઉંમરનું દીપડાનું બચ્ચું શિકારની શોધમાં ખાબક્યું હતું.આ ઘટનાની જાણ ખેતરના માલિકને થતાં તેમણે ગામના વન મિત્ર રમેશ રાઠોડને જાણ કરી. રમેશ રાઠોડ સહિતના વન મિત્રો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે લોખંડના ખાટલાના ચારેય ખૂણે દોરડાં બાંધીને તેને કૂવામાં ઉતાર્યું. દીપડાનું બચ્ચું ખાટલામાં બેસી ગયું, અને થોડા સમય બાદ જસાધાર વન વિભાગનો સ્ટાફ પાંજરું લઈને રેસ્ક્યુ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચ્યો.વન વિભાગે દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે બચાવીને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ ગયો. ત્યાં તબીબી સારવાર બાદ બચ્ચું સંપૂર્ણ સ્વસ્થ થયા પછી તેને જંગલમાં મુક્ત કરવામાં આવશે.

You may also like

Leave a Comment