ગુવાહાટી: આસામના ઘણા જિલ્લાઓ છેલ્લા કેટલાક દિવસોથી વાર્ષિક ચોમાસાના પૂરની વિનાશક અસરોનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે પૂરની પહેલી લહેર 21 જિલ્લાઓને અસર કરી ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે નદીઓમાં પૂર આવી રહ્યા છે.આ વિસ્તારોમાં કુલ 66 જેટલાં ગામો હાલમાં પૂરના પાણીમાં ડૂબી ગયા છે. વધતા પાણીના સ્તરના દબાણ હેઠળ નદીના કાંઠા તૂટી જવાથી ખેતીલાયક જમીનનો મોટો વિસ્તાર અને અસંખ્ય ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. પૂરને કારણે રાજ્યની ઘણી મોટી નદીઓ ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે.જેમાં બ્રહ્મપુત્ર (નિમતિઘાટ, તેજપુર અને ધુબરી), બુરહિડીહિંગ (ચેનીમારી અને ખોવાંગ), કોપિલી (કામપુર અને ધર્મતુલ), બરાક (ફુલારતાલ, બીપી ઘાટ અને એપી ઘાટ), સોનાઈ (અમરાઘાટ), રુકની (ધોલાઈ), ધોલેશ્વરી (ઘોરમુરા), કટાખલ (માટીજુરી) અને કુશિયારા (શ્રીભૂમિ)નો સમાવેશ થાય છે.આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)એ બુધવારે વધુ બે લોકોએ જીવ ગુમાવ્યાની પુષ્ટિ કરી છે, જેનાથી આ વર્ષે પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં ડિબ્રુગઢ, શિવસાગર, ધેમાજી, લખીમપુર, સોનિતપુર, વિશ્વનાથ, ગોલાઘાટ, નાગાંવ, હોજઈ, મોરીગાંવ, કામરૂપ (મેટ્રો) દરાંગ, બારપેટા, ગોલપારા, દક્ષિણ સલમારા, કછાર, હૈલાકાંડી, શ્રીભૂમિ, પશ્ચિમ કાર્બી આંગલોંગ અને દિમા હસાઓ સામેલ છે.
27

