શેરબજારમાં આજે ખુલતાની સાથે જ મોટો કડાકો આવ્યો છે જેમાં સેન્સેક્સ સીધો 1000 પોઈન્ટ ઘટીને ખુલ્યો હતો. આ લખાય છે ત્યારે 10.30 વાગ્યે સેન્સેક્સ 1111 પોઈન્ટ ઘટીને 78,612 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 368 પોઈન્ટ અથવા 1.50 ટકા ઘટીને 23,935 પર ચાલે છે. અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી અગાઉ ગભરાટ છે જેના કારણે આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ અને આઈટી સ્ટોક્સમાં જંગી કડાકો જોવા મળ્યો છે. યુએસ ફેડ દ્વારા સંભવિત રેટ કાપની શક્યતાએ પણ તેમાં ભૂમિકા ભજવી છે.ફેડની મિટિંગના પરિણામો, યુએસ ઈલેક્શન અંગે અનિશ્ચિતતા અને બીજા ક્વાર્ટરના નિરાશાજનક પરિણામો તથા ક્રૂડ ઓઈલના વધતા ભાવોના કારણે બજારમાં આ કડાકો આવ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ કેપિટલ સાત લાખ કરોડ રૂપિયા ઘટીને 441.3 લાખ કરોડ રૂપિયા થઈ હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, ICICI Bank, HDFC Bank અને સન ફાર્માના શેર સૌથી વધારે ઘટ્યા હતા અને 1100 પોઈન્ટના ઘટાડામાં આ પાંચ કંપનીઓએ જ 420 પોઈન્ટનું યોગદાન આપ્યું હતું. જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક, ટીસીએસ અને ટાટા મોટર્સના શેરોમાં પણ સારો એવો ઘટાડો થયો હતો.નિફ્ટી બેન્ક, ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસિસ, આઈટી, ફાર્મા, મેટલ, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ શેરો 0.5 ટકાથી લઈને 1.7 ટકા સુધી ઘટ્યા હતા જ્યારે બજારની વોલેટિલિટી માપવાનો ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 5.2 ટકા વધીને 16.73 થયો હતો.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …