મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસનાં 60થી વધુ મકાનોમાં આગ લાગી હતી. 11 લોકોનાં મોત થયાં છે, 100થી વધુ લોકો ઘાયલ છે. ભાસ્કરના રિપોર્ટરે કહ્યું- ફેક્ટરીની આસપાસનો રસ્તા પર વેરવિખેર મૃતદેહો પડેલા છે. 25થી વધુ ઘાયલોને હરદા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તંત્રએ 100થી વધુ મકાનો ખાલી કરાવ્યાં છે. લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર દોડતા જોવા મળ્યા હતા. વિસ્ફોટના કારણે અફરાતફરી મચી ગઈ હતી.મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવની ઈમર્જન્સી બેઠક મળી હતી. રેસ્ક્યૂ-ઓપરેશન માટે સેનાને બોલાવવામાં આવી છે. લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશના મંત્રી ઉદય પ્રતાપ સિંહે ફટાકડાની ફેક્ટરીનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું.હરદાના સિવિલ સર્જન ડૉ. મનીષ શર્માએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીની આસપાસ રસ્તા પર 15 જેટલા મૃતદેહો વેરવિખેર પડેલા છે. હરદા અને આસપાસના જિલ્લામાંથી 114 જેટલી એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી હતી.