દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે રવિવાર એટલે કે આજે બિહાર, ઉત્તર પ્રદેશ, અસમ, મેધાલય, સિક્કિમ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગીય તટીય ક્ષેત્ર, બિહાર, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળીના તડાકા-ભડાકા સાથે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. ત્યારે રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. શનિવારે ન્યૂનતમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ સાથે 27.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.
