આજરોજ કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓએ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી મતદાન જાગૃતિ માટે આયોજિત “રન ફોર વોટ”ને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડથી હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, બસ સ્ટેશન, કચ્છ મ્યૂઝિયમ થઈને કલેક્ટર ઓફિસ સુધી આયોજિત “રન ફોર વોટ”માં મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહીને ચોક્કસ મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.
“રન ફોર વોટ” ને પ્રસ્થાન કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે, કચ્છ વિવિધક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે આ લોકસભા ચૂંટણીમાં પણ નાગરિકો મતદાન કરવામાં અગ્રેસર રહેશે. કચ્છ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે દિશામાં તમામ પુરતા પ્રયત્નો કરવા કલેક્ટરશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયાએ તમામ નાગરિકોને કોઈપણ જાતના ભય કે પ્રલોભનમાં આવ્યા વગર મતદાન મથક સુધી પહોંચીને પોતાની પવિત્ર ફરજ નિભાવવા અપીલ કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમિત અરોરા સહિત અધિકારીશ્રીઓએ “રન ફોર વોટ” ને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકો આ રેલીમાં મતદાન જાગૃતિના બેનર્સ, પોસ્ટર્સ સાથે સહભાગી થયા હતા. મતદાન જાગૃતિના વિવિધ ગીતોની રમઝટ સાથે રેલી ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરે તે માટે શહેરવાસીઓ “રન ફોર વોટ”માં ઉત્સાહભેર સહભાગી થયા હતા.
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ગાંધીધામ ખાતે પણ “રન ફોર વોટ” નું આયોજન કરવામાં આવ્યું હતું. “રન ફોર વોટ” નો આશય નાગરિકોને મતદાનના દિવસે સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો.
મતદાન જાગૃતિના આ અનોખા પ્રયાસ એવા “રન ફોર વોટ” માં આદર્શ આચાર સંહિતા અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્ર વાઘેલા સહિત અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …