રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં વધારો કર્યો છે. આરટીઓમાં પાસિંગ ખર્ચનો બોજો, ઇન્સ્યોરન્સ અને પરમિટના ખર્ચને ધ્યાનમાં રાખીને સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો કર્યો છે. નોંધનીય છે શાળાઓમાં નવુ શૈક્ષણિક સત્ર 13મી જૂનથી જ શરૂ થઈ જશે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા સ્કૂલ વાન અને રીક્ષાના ભાડામાં 20 ટકાનો વધારો કરાયો છે. સ્કૂલ વાન વર્ધીના અત્યાર સુધી એક કિ.મી.ના અંતરનું ભાડું 1000 રૂપિયા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતું હતું. જે હવે વધારા બાદ 1200 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત પાંચ કિ.મી.ના રૂપિયા 1800થી વધારી 2000 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે રીક્ષામાં એક કિ.મીના અંતરનું ભાડું 650 રૂપિયા વસૂલવામાં આવતું હતું. જે હવે 750 રૂપિયા ચૂકવવા પડશે. બે કિ.મીના રૂપિયા 750થી વધારી 850 રૂપિયા કરવામાં આવ્યા છે. પાંચ કિ.મી.નું ભાડું રૂ. 1050થી વધારી 1150 રૂપિયા કરવામાં આવ્યું છે. આ નવો ભાવ આગામી શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે.
