પશ્ચિમ કચ્છમાં આવેલી બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ., પધ્ધર ખાતે આવેલા કારખાનામાં પ્રોપેન ટેન્કમાં ગેસ લીકેઝ થતા જ ઈમરજન્સી કોલ આપવામાં આવ્યો હતો. બીકેટી કંપની દ્વારા તમામ ફાયરના સાધનોને એક્ટિવ કરીને આગને કાબૂમાં લેવામાં પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, આગ વિકરાળ હોય કારખાનામાં આવેલી ફાયર સિસ્ટમથી બુઝાવી શકાય તેમ નહોતી. આથી કંપની દ્વારા આ આગને લેવલ ૦૩ ડિઝાસ્ટર જાહેર કરીને કચ્છ જિલ્લા વહીવટીતંત્રની મદદ માગવામાં આવી હતી. જિલ્લાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવતા મોટી દૂર્ઘટના ટળી હતી. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા વહીવટી તંત્રના પોલીસ, આરટીઓ, હેલ્થ, જીપીસીબી, ફાયર વગેરે વિભાગના અધિકારીશ્રીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. વહીવટી તંત્રના વિવિધ વિભાગોએ સંકલન સાથે કામગીરી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આમ જિલ્લા વહીવટી તંત્રની ઈમરજન્સી સેવાઓ થકી મોટી જાનહાનિને ટાળી શકાય હતી. જોકે, આ માત્ર ઓફસાઈટ મોકડ્રિલ હતી.
આ જિલ્લાકક્ષાની ઓફસાઈટ મોકડ્રીલ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના સંયુક્ત સંકલનમાં સફળતાપૂર્વક યોજવામાં આવી હતી. આકસ્મિક સંજોગો ઓફસાઈટ દૂર્ઘટનાના કિસ્સામાં કેવી રીતે સંકલનથી કામગીરી કરી શકાય અને તેમાં રહી જતી ત્રુટિઓ દૂર કરી શકાય તે માટે આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રિલમાં કચ્છના ડિઝાસ્ટર મામલતદારશ્રી એન.એસ.મલેક, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી બી.એન.શાહ, નાયબ નિયામકશ્રી ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યશ્રી આર.એચ.સોલંકી, પધ્ધર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરશ્રી એચ.એમ.ગોહિલ અને જીપીસીબી, આરટીઓ, તાલુકા હેલ્થ અધિકારીશ્રી અને આસપાસના કારખાનાના પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા.
