ગુજરાતમાં બદલાતી ઋતુમાં અમદાવાદ સહિત કેટલાંક શહેરોમાં ફ્લૂના કેસમાં વધારો થયો છે. લોકો હાલ શરદી, ઉધરસ, તાવ વગેરેની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.ડૉક્ટરો પાસે જે દર્દીઓ આવે છે તેમને શરદી, તાવ, સતત વહેતું નાક, શરીરમાં દુખાવો વગેરે ફરિયાદો હોય છે.તબીબોના જણાવ્યા અનુસાર, આમ તો આ સિઝનલ વાઇરસ છે અને મોટા ભાગે બદલાતી ઋતુમાં આ પ્રકારના કેસમાં વધારો થતો હોય છે.હૉસ્પિટલોમાં ઓપીડીમાં દર્દીઓનો વધારો થયો છે.ડૉક્ટરોનું કહેવું છે કે બદલાતી ઋતુ પ્રમાણે ઘણી વાર શરીરને અનુકૂલન સાધવામાં મુશ્કેલી પડતી હોય છે. આથી વાતાવરણમાં રહેલાં ચેપનાં તત્ત્વો શરીર પર હુમલો કરી દેતાં હોય છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો આ ફેરફારની સિઝનમાં વધારે ચેપનો ભોગ બનતા હોય છે.ભુજના જાણીતા તબીબ ડો.આનંદ ચૌધરીએ વાત કરતા જણાવ્યુ હતું કે કેટલીક બાબતોમાં સાવધાની રાખવામાં આ ફ્લૂથી બચી શકાય છે. ખાસ કરીને બહાર નીકળતી વખતે કેટલીક સાવધાની રાખવી જોઈએ. પૌષ્ટિક, ગરમ ખોરાક લેવો, સ્વચ્છતા જાળવવી અને બહાર જતી વખતે માસ્ક પહેરવું જોઈએ.
