ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૩મો પદવીદાન સમારોહ મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ઓડિટોરિયમ ભુજ ખાતે યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ૬૪૭૧ વિદ્યાર્થીઓને પીએચ.ડી, અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઇ હતી. ઉપરાંત, ૨પ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ એનાયત કરીને રાજ્યપાલશ્રીએ શુભાશિષ આપ્યા હતા.
કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, તમારા અથાગ પરિશ્રમનું પરિણામ આજે ડિગ્રી સ્વરૂપે પ્રાપ્ત થઈ રહ્યું છે. રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને કહ્યું કે, ચારિત્ર્યવાન યુવા પેઢીનું ઘડતર ખૂબ જ જરૂરી છે કારણ કે, ચારિત્ર્યવાન યુવા પેઢી રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરે છે. સત્યના પથ ઉપર ચાલવા, ધર્મનું આચરણ કરવા અને જીવનમાં પ્રમાણિકતાથી આગળ વધવા રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા તમામ યુવાનોએ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવી પડશે. સમાજ અને રાષ્ટ્રનું ભલું થાય તે દિશામાં કાર્ય કરવા રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને શીખ આપી હતી. જીવનમાં માતા-પિતા અને ગુરૂ પ્રત્યે સન્માન ભાવ રાખીને પોતાના જીવનનો ઉદ્ધાર કરવા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ સંશોધન ક્ષેત્રે આગળ વધીને સમાજ-દેશ તેમજ દુનિયાની વર્તમાન સમસ્યાઓનું નિવારણ લાવવા જણાવ્યું હતું. પ્રાપ્ત કરેલી વિદ્યાનો સદુપયોગ કરીને સમાજ અને દેશનો વિકાસ કરવા રાજ્યપાલશ્રીએ આહ્વાન કર્યું હતું. વિદ્યાર્થીઓને પદવીદાન નિમિત્તે રાજ્યપાલશ્રીએ જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવા શુભાશિષ પાઠવીને મંગલ જીવનની કામના કરી હતી.
આ પ્રસંગે અતિથિ વિશેષ વરિષ્ઠ સાહિત્યકાર અને નિવૃત સનદી અધિકારીશ્રી વસંત ગઢવીએ વિદ્યાર્થીઓને ‘કેર’, ‘કરેજ’ અને કન્સિસટન્સીના ત્રિવેણી સંગમ સાથે જીવન ઘડતર કરવા સૂચન કર્યું હતું. શ્રી ગઢવીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર કાજે પોતાની શક્તિઓનો ઉપયોગ કરવાનું આહવાન કરીને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ યુનિવર્સિટીમાં નવી શિક્ષા નીતિ મુજબનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન (પીએમ-ઉષા) અંતર્ગત કચ્છ યુનિવર્સિટીની પસંદગી થતાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઊભી કરવા ૨૦ કરોડ રૂપિયાનું અનુદાન મળતા શ્રી પટેલે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છ યુનિવર્સિટીને ઉત્કૃષ્ટ યુનિવર્સિટી બનાવવા સંશોધનની પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવામાં આવશે તેમ પણ કુલપતિશ્રીએ જણાવ્યું હતું.
કચ્છ યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડૉ. જી.એમ.બુટાનીએ રાજ્યપાલશ્રીની મંજૂરીથી પદવીદાન સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો. યુનિવર્સિટીના પરીક્ષા નિયામકશ્રી ડૉ. તેજલકુમાર શેઠ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાના વડાઓ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર્સ, પ્રોફેસર્સ અને કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, કર્મચારી ગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.