રાજ્યના છેવાડાના માનવી સુધી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજ્યના અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં તા.૧૫/૧/૨૦૨૩(જનજાતિય ગૌરવ દિવસ) અને બાકીના તમામ જિલ્લાઓમાં નવેમ્બર-૨૦૨૩ના તૃત્તિય સપ્તાહથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં પણ નવેમ્બર માસના ત્રીજા સપ્તાહમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના સુચારું આયોજનને લઈને જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ વિકસિત ભારત યાત્રામાં વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ નાગરિકોને મળે એ રીતે કામગીરી કરવા માટે સંબંધિત તમામ અમલીકરણ અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વિવિધ યોજનાઓ વિશે ગામડાઓમાં રથ દ્વારા પ્રસાર પ્રચાર કરીને લાભ આપવામાં આવશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ૧૭ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાઓના શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં નિદર્શન, પ્રદર્શન, પ્રચાર-પ્રસાર અને અન્ય આનુષાંગિક કામગીરી કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન યોજનાલક્ષી હોર્ડિગ્સ, સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ, યાત્રા દરમિયાન કાર્યક્રમના સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ સ્પર્ધાઓ સ્થાનિક કક્ષાએ યોજાશે. શહેરી વિસ્તારમાં યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રનું વિતરણ તથા મંજૂર કરેલી લોનનું ડીસ્બર્સમેન્ટ, મંજૂર કરેલા હપ્તાઓની સહાય વિતરણ કરાશે. આ માટે વિવિધ યોજનાઓના ફોર્મ મેળવવા કેમ્પનું આયોજન કરી કેમ્પેઇન મોડમાં કામગીરી કરવામાં આવશે.
જયારે ગ્રામીણ કક્ષાએ રથના ભ્રમણ દરમિયાન વડાપ્રધાનશ્રીનો સંદેશ તથા સંકલ્પ વીડિયો પ્રસારિત કરાશે. વિકસિત ભારત યાત્રા અન્વયે મૂવીનું પ્રસારણ, સાંસ્કૃતિક પ્રદર્શન, સ્થળ પર યોજનાકીય ક્વિઝ અને એવોર્ડ વિતરણ, લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, સફળ મહિલાઓ તેમજ સ્થાનિક રમતવીરોનું સન્માન, ગ્રામ પંચાયતની સિદ્ધિઓ– લેન્ડ રેકોર્ડનું ૧૦૦ ટકા ડીઝીટાઇઝેશન, ઓડીએફ સ્ટેટસ, જલ જીવન મિશનના લાભ, પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરનાર ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઇલ હેલ્થ કાર્ડની કામગીરી વગેરે કરવામાં આવશે. આ સાથે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામયાત્રા, ગ્રામસભાનું આયોજન, જનભાગીદારી સાથે સ્વચ્છતાના કાર્યક્રમ, શાળા-કોલેજો ખાતે સ્પર્ધાનું આયોજન, સેવા સેતુ કાર્યક્રમ, સ્થળ ઉપર યોજનાઓના લાભ આપવા કેમ્પનું આયોજન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થી સુધી પહોંચીને યોજનાઓનો લાભ આપવો, પ્રચાર-પ્રસાર દ્વારા કેન્દ્ર અને રાજ્યની સર્વે યોજનાઓની માહિતી તમામ લોકો સુધી પહોંચાડવી, યાત્રા દરમિયાન લાભ મળવાપાત્ર હોય એવા લાભાર્થીઓની નોંધણી કરવી, વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર – પ્રસાર થકી રાજયની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવી તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, ડીઆરડીએના નિયામકશ્રી આર.કે.ઓઝા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જી.રાજપૂત અને શ્રી વિજયા પ્રજાપતિ સહિત સંબંધિત વિભાગના કચ્છ જિલ્લા વહીવટીતંત્રના શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …