આજરોજ નાણાં, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કચ્છની અંજાર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજીને અંજાર તેમજ ગાંધીધામ ખાતે ચાલી રહેલી વીજ પુનઃસ્થાપનની કામગીરીની સમીક્ષા કરી હતી. કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વાવાઝોડા બાદની કચ્છની પરિસ્થિતિ બાબતે નાણાં મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા. વાવાઝોડા બાદ નાણાં મંત્રીશ્રી માર્ગદર્શન હેતુ કચ્છ જિલ્લામાં પધાર્યા તે બદલ સૌ પદાધિકારીશ્રીઓએ તેમનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વીજળી લોકોની જરૂરિયાતનો ભાગ છે. જેના રિસ્ટોરેશની કામગીરી ઝડપથી થાય તે ખૂબ જ જરૂરી છે. તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરીને વીજળી રિસ્ટોરેશન ઝડપથી કરે તે બાબતે નાણાં મંત્રીશ્રીએ તાકીદ કરી હતી. ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી અને અંજાર ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાએ નાણામંત્રીશ્રીને આવકાર આપીને પોતાના વિસ્તારોની રજૂઆત કરી હતી. મોટાભાગના વિસ્તારોમાં વીજ પુનઃસ્થાપનની થઈ ગયું છે અને બાકી છે ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે તે બાબતે સૌએ નાણાં મંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
આ બેઠક દરમિયાન ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ અગ્ર સચિવશ્રી મમતા વર્મા, પીજીવીસીએલના એમડી શ્રી એમ.જે.દવે, જીયુવિએનએલના એમડી શ્રી જયપ્રકાશ શિવહરે, નાયબ સચિવશ્રી ભક્તિ શામળ,
અગ્રણીઓ સર્વશ્રી શંભુભાઇ આહિર, શ્રી ડેનિભાઈ શાહ, શ્રી પંકજભાઈ ઠક્કર, લીલાવતીબેન પ્રજાપતિ, અંજાર પ્રાંત અધિકારીશ્રી મેહુલ દેસાઈ, GETCOના અધિકારીશ્રીઓ, પીજીવીસીએલના સ્થાનિક અધિકારીશ્રીઓ સહિત પદાધિકારીશ્રીઓ, વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.