પાવર ઓફ એર્ટનીના આધારે થતા દસ્તાવેજની નોંધણીમાં પાવર ગમે તેટલા વર્ષો જુનો હોય, પરંતુ પાવર ઓફ એર્ટની આપનારનું હાલનું હયાતીનું સોંગદનામુ રજુ કરવાના થયેલા આદેશનો સુરતની સબ રજિસ્ટ્રાર કચેરીમાં અમલવારી શરૃ થતા પાવર ઓફ એર્ટનીના આધારે લાખો કરોડો રૃપિયાની સ્થાવર-જંગમ મિલ્કત ખરીદનારાઓની હાલત કફોડી થવા પામી છે.
અત્યાર સુધીમાં જેમનો દસ્તાવેજ પાવર ઓફ એર્ટનીના આધારે થતો હતો. તેમાં પાવર આપનાર નહીં, પરંતુ જેના નામનો પાવર આપ્યો હોઇ તે સોંગદનામું રજુ કરે કે મને પાવર આપ્યો છે. એટલે દસ્તાવેજ થઇ જતો હતો. જેમાં જુની પાવર ઓફ એર્ટનીના આધારે પણ દસ્તાવેજ થતા હોવાથી અનેક ફરિયાદો ઉઠવાની સાથે તકરારી કેસો પણ વધ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને રાજય સરકાર દ્વારા રજિસ્ટ્રેશન એકટમાં જ સુધારો કરી દઇને તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં પરિપત્ર જારી કરી દીધો છે કે હવે કોઇ પણ પાવર ઓફ એર્ટનીના આધારે દસ્તાવેજોની નોંધણી થશે, ત્યારે જેના નામે પાવર આપ્યો છે. તેણે નહીં, પરંતુ જેણે પાવર ઓફ એર્ટની લખી આપી છે તેણે હયાતીનું સોંગદનામું કરવુ પડશે. આ સોંગદનામુ હશે તો જ દસ્તાવેજ નોંધણી થશે. નહીંતર દસ્તાવેજ નોંધણી માટે મુલતવી રખાશે.