Breaking News

“બિપરજોય” વાવાઝોડાની આગાહીને લઈને વહીવટીતંત્રની તૈયારીઓ અંગે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

આજરોજ કલેક્ટર કચેરી ભુજ ખાતે કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને “બિપરજોય” વાવાઝોડાના ખતરાની સંભાવના સામે જિલ્લા વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુલટીના સંકલ્પ સાથે તમામ આગમચેતીની તૈયારીઓ કરવા અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી. સરકારશ્રીના મહત્વના વિભાગોની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓ પાસેથી વિગતો માગીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ ઉપરાંત, તમામ વિભાગના અધિકારીશ્રીઓ પરસ્પર સંકલનમાં રહીને રાહત બચાવની પૂર્વ તૈયારીઓ કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
કલેક્ટરશ્રીએ ખાસ કરીને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે જખો, માંડવી, મુંદ્રા વગેરે ખાતે અધિકારીશ્રીઓને સંપૂર્ણ આગમચેતીની તૈયારી કરીને કોઈપણ પ્રકારની જાનહાનિ ના થાય તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું. આ ઉપરાંત, કચ્છ જિલ્લામાં વાવાઝોડા જેવી આપદાઓથી બચાવ માટે તૈયાર કરાયેલા શેલ્ટર હોમ્સને કોઈપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે તમામ સુવિધાઓથી સજ્જ કરવા જણાવ્યું છે. જો લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડે તો શેલ્ટર હોમ્સ ખાતે મેડિકલ, ફૂડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ ઉપરાંત, ભારે પવનના લીધે કોઈપણ પ્રકારની જાનમાલની હાનિ ના થાય તે માટે અગાઉથી જ જોખમી ઘરો, હોર્ડિંગ્સ અને વૃક્ષોનો સરવે કરવા માટે તાકીદ કરી હતી. બચાવ રાહતના સાધનો તાલુકાવાઈઝ ઉપલબ્ધ થાય તે માટે સર્વે પ્રાંત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, જો કોઈ સર્ગભા મહિલા, ગંભીર બીમારીવાળા દર્દીઓ હોય તો સંભવિત વાવાઝોડા ખતરા પહેલા જ સરકારની આરોગ્ય ફેસિલિટીઝમાં દાખલ કરવા તાકીદ કરી હતી. આવા દર્દીઓનો સરવે કરીને જરૂરિયાતની દવાઓ અને મેડિકલ સુવિધા પુરી પાડવા માટે કલેક્ટરશ્રીએ આરોગ્ય અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.

વાવાઝોડા સ્થિતિ સમયે જો ભારે પવન હોય તો પશુપાલકો પોતાના ઢોર એક જગ્યાએ બાંધી નહીં રાખીને તેને સલામત સ્થળે ખસેડે તેમ જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો. જો સ્થળાંતર કરવાની ફરજ પડે તો શાળાઓમાં પણ શેલ્ટર હોમ્સ બનાવવા જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને જણાવ્યું હતું.
વર્તમાન સમયમાં માછીમારીની કોઈ જ બોટ દરિયામાં નથી તેમ જણાવીને કલેક્ટરશ્રીએ કોઈપણ સંજોગોમાં માછીમારો દરિયામાં ન જાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત, મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરીને ધ્યાન રાખવા જણાવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ તલાટી, સરપંચ સાથે કલસ્ટર બનાવીને ગ્રામજનોને જાગૃત કરવા માટે મિટીંગનું આયોજન કરીને ગામડાઓની મુલાકાત લેવા માટે કલેક્ટરશ્રીએ ભલામણ કરી હતી. જો રોડ પર વૃક્ષો ધરાશાયી થાય તો માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ પંચાયતે ફોરેસ્ટ વિભાગ સાથે સંકલનમાં રહીને તુરંત ધરાશાયી વૃક્ષોને હટાવી રોડ ખુલ્લા કરવાની કામગીરી કરવા સૂચના આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને આગમચેતીના પગલાઓ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આકસ્મિક પરિસ્થિતિમાં વીજળી અને પાણીની વિતરણ વ્યવસ્થા જળવાઈ રહે ખૂબ જ જરૂરી છે. જો આવી પરિસ્થિતિ સર્જાઈ તો તુરંત તેનું રિસ્ટોરેશન કરીને પુરવઠો ફરીથી સ્થાપિત થઈ જાય તે માટે અલાયદી ટીમ મારફતે કામગીરી કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત, પીવાના પાણીની તંગી ના થાય તે માટે જથ્થો અનામત રાખવા માટે પાણી પુરવઠાના અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત, સ્થળાંતર માટે જરૂરી પરિવહનની વ્યવસ્થા કરવા, સ્થાનિક એનજીઓ સાથે સતત સંકલનમાં રહેવા, જિલ્લામાં કોમ્યુનિકેશન જાળવી રાખવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. “બિપરજોય” વાવાઝોડા સંદર્ભે કલેક્ટરશ્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, “બિપરજોય” વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાથી અંદાજે ૧૦૦૦ કિલોમીટર દૂર છે. હાલ વાવાઝોડાની દિશા પ્રમાણે ઓમાન તરફના દેશોમાં લેન્ડ ફોલ થાય એવી શક્યતા છે. જો કે, તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે એવું કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
આ બેઠકમાં પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી કરણરાજ વાઘેલા, કચ્છ પૂર્વ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી વી.એન.વાઘેલા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, ડિઝાસ્ટર મામલતદારશ્રી કલ્પના ગોંદિયા સહિત સંબંધિત વિભાગના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ગરમીની ઋતુમાં ફળોના ભાવમાં થયો વધારો

ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »