નરનારાયણ દેવને સુવર્ણનાં વાઘા સહિત આભૂષણો અર્પણ કરતાં દાતા, સુવર્ણનાં મોળીયા, સુવર્ણના છત્ર સહિતનાં આભૂષણો પ્રભુની શોભામાં અભીવૃદ્ધિ કરશે

ભુજ :
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા બદ્રીકાશ્રમ ખાતે શ્રીનરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની દિવ્યતા અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉજવણીનાં તૃતીય દિવસે શ્રીમદ્‌ સત્સંગીજીવન કથામાં વક્તા શાસ્ત્રી કૃષ્ણસ્વરૂપસ્વામીએ નરનારાયણ દેવનો મહિમા વર્ણવ્યો હતો. આ દરમિયાન ધુન અને કિર્તનનાં નવા બે આલ્બમનું વિમોચન કરવાની સાથે સાથે દાતા પરિવાર દ્વારા સુવર્ણના વાઘા પણ નરનારાયણ દેવનાં ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા હતાં. સુવર્ણદાન સમયે મોટી સંખ્યામાં એનઆરઆઇ સહિતનાં હરિભક્તો હાજર રહ્યા હતાં.


દાતા દ્વારા ભગવાન કૃષ્ણ, રાધાજી અને હરિકૃષ્ણ મહારાજ માટે સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવ્યા તે પૂર્વે વાજતેગાજતે યજમાનો સુવર્ણ વાઘા લઇને કથા મંડપમાં પધાર્યા હતાં અને તેમણે આ વાઘા નરનારાયણ દેવનાં ચરણોમાં અર્પણ કર્યા હતાં. જેનો સદ્‌ગુરૂ મહંતસ્વામી ધર્મનંદનદાસજીએ સ્વીકાર કર્યો હતો. ત્યારે આચાર્ય મહારાજ કૌશલેન્દ્રપ્રસાદજી, ઉપમહંત સ્વામી ભગવદજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત હાજર રહ્યા હતાં અને સુવર્ણનાં વાઘા, સુવર્ણના હાર, સુવર્ણની મોજડી સહિતનાં આભૂષણોનો ફુલોથી અભિષેક કર્યો ત્યારે કોઠારી દેવપ્રકાશસ્વામી, શાસ્ત્રી સુકદેવસ્વરૂપસ્વામી, શાસ્ત્રી દેવચરણસ્વામી આદિ સંતો પણ જાેડાયા હતાં.
આજ રીતે બપોર પછીનાં સત્ર દરમ્યાન પણ યજમાનો દ્વારા સુવર્ણનાં મોળીયા, સુવર્ણની છત્ર સહિતનાં આભૂષણો નરનારાયણ દેવને અર્પણ કરવામાં આવ્યા હતાં. સમગ્ર સુવર્ણદાન પ્રસંગને માણવા માટે મોટી સંખ્યા એનઆરઆઇ સહિતનાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતાં અને દિવ્ય માહોલની અનુભૂતિ કરી હતી. આ ઉત્સવમાં અનેક લોકો નરનારાયણ દેવ પ્રત્યે પોતાનો ભાવ, પ્રેમ ભગવાન પ્રત્યે આ રીતે સુવર્ણદાન અર્પણ કરીને વ્યક્ત કરી રહ્યા છે.
પ્રારંભમાં ત્રણ આલ્બમ પણ લોન્ચ કરવામાં આવ્યા હતાં. જે ભુજ મંદિરની યુટ્યુબ ચેનલ ભક્તિ સાઉન્ડ ઉપર જાેવા મળશે. જે આબ્લમ લોન્ચ કરવામાં આવ્યા તેમાં તેમાં એક સ્વામિનારાયણની ધુન અને બીજુ આલ્બમ સ્વામિનારાયણ સંપ્રદાયનાં નંદ સંતો રચિત વંદુ શહજાનંદમાં સંપૂર્ણ સ્વર ભુજ મંદિરનાં ગાયક સંતોએ આપ્યો છે. અક્ષરધામનો ગરબો આલ્બમનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. સંચાલન હરિકૃષ્ણ સ્વામીએ કર્યું હતું. ગત રાત્રીનાં ડાયરાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે આજે રાત્રે બાળકો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમ રજુ કર્યો હતો તેને પણ હરિભક્તોએ મન ભરીને માણ્યો હતો.

About JAYENDRA UPADHYAY

Check Also

ભૂજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા ભુલા પડી ગયેલ વૃધ્ધાને સોશિયલ મીડિયાના માધ્યમથી તેના પરિવાર સાથે થયું મિલન _

ગઈ તા:- ૨૬-૦૪-૨૦૨૪ ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »