- સ્મૃતિવન મેમોરિયલ નિહાળીને પ્રતિનિધિશ્રીઓએ ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી
- વિદેશ મહેમાનોએ સ્મૃતિવન ખાતે કચ્છી બનાવટની વિવિધ વસ્તુઓની ખરીદી કરી
ગાંધીનગર ખાતે ૩૦ માર્ચથી ૧ એપ્રિલ સુધી પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ આયોજન કરાયું છે. જે અનુસંધાને વર્કિંગ ગ્રુપ મીટિંગના સભ્યો ૧ એપ્રિલના રોજ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે પધાર્યા હતા. પ્રતિનિધિશ્રીઓ સહિત મહાનુભાવોએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવન મેમોરિયલની જી-૨૦ની પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓએ ફિલ્ડ વિઝીટના ભાગરૂપે મુલાકાત લીધી હતી.
કચ્છની ધરતી પર પધારેલા ડેલિગેટસ સહિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. GSDMAએ વતી શ્રી રાજા ભટ્ટાચાર્યે પધારેલા ડેલિગેટસને મ્યૂઝિયમ નિર્માણ વિશેની તથા અન્ય આકર્ષણો વિશેની માહિતી આપી હતી. સ્મૃતિવન મ્યૂઝિયમમાં જીવનની ઉત્પત્તિ તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઝની પ્રતિનિધિશ્રીઓએ નિહાળી હતી.
મ્યૂઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે. અહીં જી-૨૦ના સભ્યશ્રીઓને ભૂકંપનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.
આ સાથે પ્રતિનિધિશ્રીઓએ સ્મૃતિવનમાં મ્યૂઝિયમની કુલ સાત ગેલેરી જેમાં પુનઃજન્મ, પુનઃપ્રાપ્તિ, પુનઃસ્થાપના, પુન:નિર્માણ, પુનઃવિચાર, પુનઃજીવન અને નવીનીકરણ નિહાળીને દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદા, આપદા સામેની ભવિષ્યની તૈયારીઓ વિશે વિગતો મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કલા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ આપદા સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના કચ્છની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રાને વીડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ડેલિગેટ્સ એ નિહાળી હતી. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સંસ્મરણો વીડિયોના માધ્યમથી ડેલિગેટ્સ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
અંતિમ ગેલેરીમાં ભવિષ્ય માટે સંદેશ લખીને ડેલિગેટ્સ એ ભાવપૂર્વક કચ્છના ૨૦૦૧ના વિનાશક ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વિદેશી ડેલિગેટ્સ વિલ્યા ખીમએ પોતાના ભવિષ્યના સંદેશમાં લખ્યું કે, “આપણે ભૂતકાળના આપદાના અનુભવો પરથી શીખ મેળવીને ભવિષ્યની આપદાઓનું જોખમ નિવારી શકીએ છીએ”. ડેલિગેટ્સ એ કચ્છી બનાવટની વિવિધ વસ્તુઓની ખરીદી કરી હતી.
આ મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ, ભુજ પ્રાંત અધિકારી શ્રી અતિરાગ ચપલોત, તાલીમી આઇએએસ અધિકારી શ્રી સુનિલ સોલંકી, સુશ્રી નીતિ ચારણ, અંજાર પ્રાંત અધિકારી શ્રી મેહુલ દેસાઈ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી શ્રી ડૉ. કશ્યપ બૂચ, ભુજ ગ્રામ્ય મામલતદાર શ્રી વિવેક બારહટ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્મૃતિવન મ્યૂઝિયમ ડાયરેકટર શ્રી મનોજ પાંડે, ઓપરેશન હેડ શ્રી વ્યોમ અંજારીયા, ગાઈડ સર્વ શ્રી સવિતા ચાવડા, દિવ્યા ગોર, જગદીશ ચાવડા, મિનાઝ સમા, મિત ગોહિલ, સાગર ગુસાઈ આ મુલાકાતને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.