મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાનામાં નાના ગામ સુધી આધુનિક સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સની પરિપાટી વિકસાવવા માટે આત્મા ગામડાનો, સુવિધા શહેરનીનો જે કોન્સેપ્ટ આપ્યો છે તેને આપણે સાકાર કરવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાની વિવિધ ૮૧ ગ્રામ પંચાયતોના નવીનીકરણ પામેલા પંચાયત ઘરોના લોકાર્પણ અને નવી બનનારી ૪૩ આંગણવાડીઓના ઈ-લોકાર્પણ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. રૂપિયા ૧૪.૨૩ કરોડના કુલ ખર્ચે આ પંચાયત ભવનો નિર્માણ થયા છે. સાથે જ ૩.૫ કરોડના ખર્ચે ૪૩ આંગણવાડીઓ બનાવવામાં આવશે.
એટલું જ નહીં કચ્છ જિલ્લાના ગામોમાં સ્વચ્છ ભારત મિશનને ચરિતાર્થ કરતા ૨૩ ગામોમાં રૂપિયા ૪૬ લાખના ખર્ચે ઇ રીક્ષા પણ અર્પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેવાડાના ગ્રામીણ લોકોને પણ ઘર આંગણે સરકારી યોજનાના લાભો મળી રહે તે માટે ૧૪,૦૦૦થી વધુ ગામોમાં ઇ-ગ્રામ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આવકના દાખલા, રાશનકાર્ડમાં સુધારા-વધારા જેવી અગત્યની 321 જેટલી સેવાઓ ડિજિટલ માધ્યમથી ગ્રામ પંચાયતોમાં ઉપલબ્ધ બનાવી છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હવે વિકાસકાર્યોના આયોજનોમાં ‘બોટમ ટુ ટોપ’ને મહત્વ અપાય છે અને પાયાના એકમનો પહેલા વિચાર કરવામાં આવે છે.
પંચાયત ઘરના નવીનીકરણ, રેકોર્ડ મોર્ડનાઈઝેશન અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ વગેરે માટે રાજ્ય સરકારના આ વર્ષના બજેટમાં પંચાયત વિભાગ માટે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે માત્ર એક જ વર્ષ માં કચ્છમાં નિર્માણ થયેલી ૮૧ ગ્રામ પંચાયતોના નવા મકાનોથી ‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર પાર પાડ્યો છે. તેનો પણ ઉલ્લેખ કર્યો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રી કટિબદ્ધ છે. તાજેતરના બજેટમાં કચ્છમાં નર્મદા પાણી વિતરણ વ્યવસ્થા હેતુ રૂપિયા ૧૯૭૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. લોકશાહીનો પાયો પંચાયત છે તેને મજબૂત બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. એક વર્ષથી ઓછા સમયગાળામાં ૮૧ ગ્રામ પંચાયત ભવનો તૈયાર થયા તે બદલ પ્રમુખશ્રીએ સરકારની કામગીરી બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય શ્રી પદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અનેક સુંદર વિકાસકાર્યો થઈ રહ્યા છે. નવી નવી યોજનાના અમલીકરણ સાથે છેવાડાના જિલ્લા કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડવા બદલ ધારાસભ્યશ્રીએ વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્માએ લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યોથી સહુને અવગત કરાવીને સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ ડીઆરડીએના ડાયરેક્ટર શ્રી જી.કે.રાઠોડે કરી હતી. કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલાએ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આજરોજ મુખ્યમંત્રીશ્રી દ્વારા ઈ-લોકાર્પિત ગ્રામ પંચાયતમાં ભચાઉ તાલુકામાં ૧, ગાંધીધામ ૧, અંજાર ૨, મુંદરા ૨, લખપત ૨, માંડવી ૭, ભુજ ૯, રાપર ૧૧, અબડાસા ૨૩, નખત્રાણામાં ૨૩ પંચાયતનો સમાવેશ થાય છે. જયારે આંગણવાડી કેન્દ્રોમાં ભચાઉ ૨, ગાંધીધામ ૨, અંજાર ૧, મુંદરા ૧, લખપત ૨, માંડવી ૧૫, ભુજ ૮, અબડાસા ૯ અને નખત્રાણામાં ૩નો સમાવેશ થાય છે
આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી ઘનશ્યામ ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી, જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આસ્થાબેન સોલંકી, જિલ્લા આંકડા અધિકારીશ્રી રોહિત બારોટ સહિત જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.