ટ્વિટર પછી હવે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ બ્લૂ ટિક વેરિફિકેશન માટે રૂપિયા વસૂલ કરશે. માર્ક ઝુકરબર્ગે મેટાની સબસ્ક્રિપ્શન સેવા ‘મેટા વેરિફાઈડ’ના રોલ આઉટની જાહેરાત કરી છે. આ માહિતી માર્ક ઝકરબર્ગે પોતાના ફેસબુક પેજ પર શેર કરી છે. મેટા યુઝર્સના વેરિફિકેશન માટે આ સર્વિસ શરૂ કરી રહ્યું છે. આ સેવા માટે યુઝર્સે રૂપિયા પણ ચૂકવવા પડશે. મેટા વેરિફાઈડ વેબ પર 11.99 ડોલર/મહિને (INR 993) અને iOS પર 14.99 ડોલર/મહિને (INR 1241) થી શરૂ થાય છે. Meta Verified આ અઠવાડિયે ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રોલ આઉટ કરવામાં આવશે, ત્યાર બાદ અન્ય દેશોમાં કરવામાં આવશે. આમાં સબસ્ક્રાઇબર્સને બ્લુ ટિક મળશે. ભારતમાં આ સર્વિસ ક્યારે લાગૂ થશે આ અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.
ઝુકરબર્ગે પોસ્ટમાં લખ્યું- આ સપ્તાહે અમે મેટા વેરિફાઇડ શરૂ કરી રહ્યાં છીએ જે એક સબ્સક્રિપ્શન સર્વિસ છે જે એક સરકારી ઓળખ પત્રની સાથે તમારા પોતાના એકાઉન્ટને વેરિફાઇડ કરશે. ઝુકરબર્ગ પ્રમાણે હવે ગ્રાહક રૂપિયા આપીને બ્લૂ બેઝ, સમાન ID સાથે નકલી એકાઉન્ટ્સ સામે રક્ષણ અને ગ્રાહક સપોર્ટની સીધી ઍક્સેસ મેળવી શકશે. તેમણે કહ્યું કે આ નવું ફીચર ફેસબુકની સેવાઓમાં ઓથેન્ટિકેશન સિક્યોરિટી વધારવા વિશે છે.