મુંબઈના મલાડ વિસ્તારમાં લાઈવ મેચમાં રમતા-રમતા ધડામ દઇને નીચે ઢળી પડ્યો 20 વર્ષનો કબડ્ડી પ્લેયર, થયું મોત
કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા 20 વર્ષના બી.કોમના વિદ્યાર્થી કીર્તિકરાજ મલ્લનનું અચાનક નિધન થઈ ગયું છે. હાલ મલાડ પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે શતાબ્દી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આ સાથે જ મલાડ પોલીસે એડીઆર હેઠળ કેસ નોંધીને વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે.
પોલીસ પાસેથી મળતી જાણકારી અનુસાર આ ઘટના ગુરુવારે એટલે કે 9 ફેબ્રુઆરીના રોજ બપોરની છે જ્યારે મુંબઈના મલાડ વિસ્તારમાં એક કોલેજ દ્વારા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કબડ્ડીની એ રમત દરમિયાન 20 વર્ષનો એ વિદ્યાર્થી ડેડ લાઇનને પાર કરીને વિરોધી ખેલાડીઓને સ્પર્શ કરવા ગયો અને જ્યારે તે આઉટ થયા પછી બહાર આવવા લાગ્યો ત્યારે તે અચાનક જ મેદાનમાં પડી ગયો હતો.
જો કે અચાનક આ ઘટના બનતા ત્યાં હાજર લોકો પોલીસને તેની જાણ કરી હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિદ્યાર્થીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે એ 20 વર્ષના યુવાનને મૃત જાહેર કર્યો હતો. જણાવી દઈએ કે મૃતક મુંબઈના ગોરેગાંવ વિસ્તારના સંતોષ નગરનો રહેવાસી હતો અને તે ગોરેગાંવની વિવેક કોલેજમાં બી.કોમ.ના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો.