પશ્ચિમ બંગાળમાં શનિવારે યોજાયેલી પંચાયત ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. તૃણમૂલ કોંગ્રેસે 10 ગ્રામ પંચાયત સીટો જીતી છે અને મોટાભાગની સીટો પર આગળ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે મતદાન દરમિયાન હિંસાથી પ્રભાવિત 19 જિલ્લાના 696 મતદાન મથકો પર રવિવારે મતદાન થયું હતું. પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસામાં લગભગ 37 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી શનિવારે મતદાનના દિવસે 18 લોકોના મોત થયા હતા.
ગયા મહિનાની શરૂઆતમાં પંચાયત ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ત્યારથી, રાજ્યભરમાં વિવિધ પક્ષોના કાર્યકરો વચ્ચે “રાજકીય અથડામણ” થઈ હતી. 8 જુલાઈના રોજ ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણી માટે 61,000થી વધુ બૂથ પર 80.71 ટકા મતદાન નોંધાયું હતું. ઘણા સ્થળોએ મતપેટીઓ લૂંટી લેવાઈ, આગ લગાડવામાં આવી અને મતપેટીઓ તળાવમાં ફેંકી દેવામાં આવી હોવાના અહેવાલો પણ હતા. હિંસાની ઘટનાઓને પગલે રવિવારે 19 જિલ્લાના 696 બૂથ પર પુનઃ મતદાન યોજાયું હતું.